નિષ્ક્રિયતા સમાજજીવન માટે હાનિકારક છેઃ ભાઈશ્રી

Wednesday 08th February 2017 07:07 EST
 
 

પોરબંદરઃ સાંદીપનિ વિદ્યાનિકેતનમાં દર વર્ષે સાંદીપનિ ગૌરવ એવોર્ડ અર્પણ કરવાની પરંપરા છે. આ પરંપરા વીસેક વર્ષથી અવિરતપણે ચાલી રહી છે. આ વર્ષે વિરક્ત સંન્યાસીને અપાતો દેવર્ષિ એવોર્ડ સાયલાના મહંત દુર્ગાદાસજી મહારાજને, સંસ્કૃતના વિદ્વાનને અપાતો બહ્મર્ષિ એવોર્ડ અમરેલીના વસંતભાઈ પરીખને, ઉદ્યોગપતિને અપાતો રાજર્ષિ એવોર્ડ મુંબઈના નવીનભાઈ દવેને અને ક્રાંતિકારી સમાજ સેવિકાને અપાતો મહર્ષિ એવોર્ડ ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠના સંસ્થાપક સ્વ. પૂર્ણિમાબહેન પકવાસાને અર્પણ થયો હતો.
ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા આ પ્રસંગે મહાનુભાવોનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. તેમણે પ્રસંગે કહ્યું હતું કે, આપણા સમાજમાં ત્રણ બાબતોની ઉણપ વર્તાઈ રહી છે. તે અકર્મણીયતા (આળસ), અધૃઘ્નતા (બીજાનો આભાર માનવાની વૃત્તિનો અભાવ) અને અવિશ્વસનીયતા છે. જે સમાજ અને વ્યક્તિને ભારે નુક્સાન પહોંચાડે છે.
શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં એક એક ક્ષણ ઉત્સવ સમાન હતી. તેમાંથી પ્રેરણા લઈને અકર્મણીયતા એટલે આળસ અને પ્રમાદને દૂર રાખીને સક્રિય જીવન જીવવું જોઈએ.


comments powered by Disqus