વડોદરાઃ વાઘોડિયાના લીમડા ગામે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ વડોદરા ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સર્વેની હાથ ધરાયેલી કાર્યવાહીમાં પહેલીએ યુનિ.ના ટ્રસ્ટી ડો. પારૂલ પટેલ પાસેથી આઇટીના અધિકારીઓએ રૂ. ૨૦ કરોડની બેનામી આવક ઝડપી પાડી હતી.
આ અગાઉ ૩૧મી જાન્યુઆરીએ આઈટી તપાસમાં યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલના સિક્રેટ રૂમની તિજોરીમાંથી આવકવેરા વિભાગને રૂ. એક કરોડ રૂપિયાની બેનામી જ્વેલરી મળી આવી હતી. આ તિજોરીમાંથી કેશ કાઉન્ટિંગ મશીન અને થોકબંધ રબર બેન્ડ પણ મળી આવતાં ત્યાંથી રાતોરાત ચલણી નોટોના બંડલ સગેવગે કરી દેવાયા હોવાની આશંકા પણ આઈટીને વર્તાઇ રહી છે.
નોટબંધી બાદ કાળાં નાણાંને સફેદ કરવાના ખેલ કરનાર જ્વેલર્સ અને બિલ્ડરોને ત્યાં તપાસની કામગીરી કરીને લાખો-કરોડો રૂપિયાનું કાળું નાણું ઝડપાયા બાદ વડોદરા ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગના દસ અધિકારીઓની ટીમે પારૂલ યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરી હતી.

