ગાંધીનગરઃ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય બજેટને ચીલાચાલુ, ગરીબ-મધ્યમ વર્ગને કોઈ રાહત ન આપનારું તેમજ ફુગાવો તથા નાણાકીય ખાધ વધારનારું ગણાવતાં આલોચના કરી છે કે, ગુજરાત સરકારના અત્યાર સુધીના બજેટોની માફ્ક જ કેન્દ્રીય બજેટ આંકડાની માયાજાળથી ભરપૂર છે. નોટબંધીની નિષ્ફળતા પછી બજેટના માધ્યમથી સરકાર પ્રજાને વધુ રાહતો આપશે તેવી બંધાયેલી આશા ઠગારી નીવડી છે.
વર્તમાન ભાજપ સરકારે જીડીપીનો ઊંચો ગ્રોથ બતાવવા અને સાચી આંકડાકીય માહિતી છુપાવવા માટે આધાર વર્ષમાં ફેરફાર કર્યો છે. સામાન્ય અને રેલવે બજેટ એક સાથે રજૂ કરવાની બાબત જાણે મોટી સિદ્ધિ હોય તેમ રેલવેમાં કોઈ મોટી સુવિધા કે ભાડા ઘટાડાની જાહેરાત થઈ નથી. તેમજ વેસ્ટર્ન રેલવેનું વડું મથક અમદાવાદ ખાતે રાખવાની ભાજપની વર્ષોજૂની માગણીનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી. વ્યક્તિગત આવક મુક્તિમર્યાદા રૂ. ૫ લાખ સુધીની કરવાની આશા ઠગારી નીવડી છે અને પાંચ લાખ સુધીની આવક ધરાવતા કરદાતા માટે માત્ર ૫ ટકાની રાહતથી તો માત્ર રૂ. ૧૦ હજારની જ રાહત મળશે એમ શંકરસિંહે જણાવ્યું હતું.

