બજેટથી ઉદ્ભવેલી તકો વિશે ચર્ચા કાર્યક્રમ યોજાયો

રુપાંજના દત્તા Wednesday 08th February 2017 05:43 EST
 

ભારતીય હાઈ કમિશન દ્વારા સોમવાર તા.૬-૨-૧૭ના રોજ ભારતના હાલના બજેટથી ઉદભવતી તકોની ચર્ચા અને વિશ્લેષણ માટે લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર સાઈકાન્ત સેન શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ યુકે ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય કે સિંહા અને ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિરેક્ટર્સ -સિટી ઓફ લંડનના ચેરમેન ડેવિડ સ્ટ્રીંગર-લેમરે તેમના વક્તવ્ય આપ્યા હતા. વક્તાઓમાં ક્રોસબેન્ચ પીઅર લોર્ડ કરણ બીલીમોરીયા, ક્લેટન, ડબ્લિયર એન્ડ રાઈસના સિનિયર પાર્ટનર વિન્ડી બંગા, ફિક્કી-ઈન્ડિયા ગ્રૂપ એડવાઈઝરી ગ્રૂપ, HIPS લિમિટેડના પ્રેસિડેન્ટ રાકેશ ગુપ્તા, TCS ના વાઈસ પ્રેસિડેન્ટ તથા હેડ -યુકે અને આયર્લેન્ડ એન શંકર, ફિનટેક માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ દેવી મોહન અને ખૈતાન લીગલ એસોસિએટ્સના પાર્ટનર સત્યેન્દ્ર શ્રીવાસ્તવનો સમાવેશ થતો હતો. યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયક મધ્યસ્થી હતા.
કાર્યક્રમમાં બિઝનેસ જગતના અગ્રણીઓ, વ્યવસાયિકો, રિસર્ચર્સ, એનાલિસ્ટ્સ, ઈન્વેસ્ટર્સ અને સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારતની વૈશ્વિક સમૃદ્ધિ અને વધતી જતી ક્ષમતાથી ઉપસ્થિત તમામને વાકેફ કરાવવા માટે ‘એશિયન વોઈસ’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગ્લોબલ ઈન્ડિયા રીચ લિસ્ટ મેગેઝિનની ૨૦૧૬ની આવૃત્તિની નકલો અપાઈ હતી.
સિંહાએ જણાવ્યું હતું કે નાણાંપ્રધાન અરુણ જેટલીએ જે નીતિઓ જાહેર કરી છે તેની વિશ્વવ્યાપી હકારાત્મક અસર થશે. ચર્ચા શરૂ કરતા ડેપ્યુટી હાઈ કમિશનરે આ વર્ષના બજેટની મુખ્ય બાબતોની માહિતી આપી હતી.
૨૦૧૭ના બજેટમાં ઘણી બાબતો પહેલી વખત બની હોવાની વાત કરતા તેમણે કહ્યું હતું કે આ પ્રથમ પેપરલેસ અને સંપૂર્ણપણે ઓનલાઈન બજેટ હતું. બજેટની તારીખ પણ વહેલી એટલે કે ૧લી ફેબ્રુઆરી કરાઈ હતી. પ્લાન્ડ અને નોન-પ્લાન્ડ ખર્ચ બન્નેને ભેગા કરી દેવાયા હતા અને પહેલી વખત જ રેલ્વે બજેટને મુખ્ય બજેટમાં સાંકળી લેવાયું હતું.
મોટાભાગના વક્તાઓએ ડીમોનેટાઈઝેશન સ્કીમની એમ કહીને (તેમના મતે) પ્રશંસા કરી હતી કે તે પણ ‘સ્વચ્છ’ ભારત પ્રોજેક્ટના ભાગરૂપ હતી. તેમણે મત વ્યક્ત કર્યો હતો કે ‘ડીગ્લોબલાઈઝેશન’ની ભારતને ખાસ કોઈ અસર થઈ નથી અને રસપ્રદ બાબત તો એ છે કે તે તો તેની તરફેણમાં હતું.
ઉપસ્થિત તમામ વક્તાઓેએ ભારતના વાર્ષિક બજેટને સુધારાના એજન્ડાને પુનઃસમર્થન આપતું ગણાવ્યું હતું. કેટલાક વક્તાઓએ તેનો આધાર સરકારી ખર્ચ પર હોવાની વાત કરી હતી. શ્રી બંગાએ ભારતની સફળતા અને વિકાસ માટે તેમણે ગ્રાહકલક્ષી બજારને યશ આપ્યો હતો. ફિનટેક માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ મિસ દેવી મોહને જણાવ્યું હતું કે આ બજેટ વિશ્વની અનિશ્ચિતતાઓ સામે ભારતને રક્ષણ આપશે. તેમણે નબળું ડિજિટલ બેંકીંગ અવરોધરૂપ ગણાવ્યું હતું. લોર્ડ કરણ બીલીમોરીયાએ ભારતના વિકાસની પ્રશંસા કરી એટલું જ નહીં પરંતુ, બજેટમાં દેશના વંચિતો, ગરીબો અને ખેડૂતો પર મૂકવામાં આવેલા વિશેષ ભારના પણ વખાણ કર્યા હતા.
TCSના શંકરે જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ કંપનીઓને દેશમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરશે, જેનાથી ભારતીય ડિજિટલ માર્કેટનો વધુ વિકાસ થશે.


comments powered by Disqus