સુરતઃ સરથાણા વિસ્તારમાં ભાજપના આગેવાન ઋત્વિજ પટેલની રેલીમાં તાજેતરમાં ઈંડા અને શાહી ફેંકી રેલીનો વિરોધ કરનાર પાટીદાર યુવાન વિજય માંગુકિયાની પોલીસે ચોથીએ ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે વિજય માટે ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી રદ કરીને વિજયના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. ૩૧ જાન્યુઆરીના રોજ ભાજપના યુવા મોરચના પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે વરાછાના સરથાણા ચોકમાં રેલી કાઢી હતી ત્યાં વિજય અને તેની મંડળીએ હોબાળો મચાવ્યો હતો. જોકે વિજયને પણ આ બનાવમાં ઈજા થઈ હતી. ઘટના પછી માંગુકિયાને કોર્ટ તરફથી કોઈ ફરિયાદ છે કે કેમ તે અંગે પૂછવામાં આવ્યું હતું. જોકે તેણે મોંઢામાં ટાંકા લીધા હોવાથી બોલી શકે તેમ નથી તેવું લેખિતમાં જણાવ્યું હતું.
કોટડિયા વિજયને મળ્યા
સુરતમાં પાસના આગેવાન વિજય માંગુકિયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યા ઘટના બાદ ત્રીજીએ ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય નવીનભાઈ કોટડિયાએ સુરત હોસ્પિટલ ખાતે તેની મુલાકાત લીધી હતી. કોટડિયાએ જણાવ્યું હતું કે, ભાજપ ભાડૂતી માણસો રાખી પાસના આંદોલનને તોડી નાંખવા માગે છે. પટેલ સમાજ કાયદો હાથમાં ન લે પણ ગીતામાં લખ્યું છે હણે તેને હણવામાં વાંધો નથી તે વાત પણ ન ભૂલે.

