જૂનાગઢઃ ગિરનારની ભવનાથ તળેટીમાં આગામી દિવસોમાં યોજાનાર મહાશિવરાત્રિ મેળાને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા મંદિરનો વહીવટ નાયબ કલેક્ટરને સુપ્રત કરાયો છે. આ પગલાંથી સાધુ-સંતો સ્તબ્ધ થઈ ગયા છે. ભવનાથ મંદિરના મહંત હરિગિરિજીની મુદ્દત પૂર્ણ થઈ છે, પરંતુ આ પ્રકરણ હાઈ કોર્ટમાં પેન્ડિંગ હોઈ નવા મહંતની નિમણૂક શક્ય ન હોવાથી અને સાધુ-સંતોમાં પણ આંતરિક મતભેદને ધ્યાને લઈને શિવરાત્રિ મેળામાં ભાવિકોને કોઈ અગવડ ન પડે તેથી જિલ્લા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાએ મંદિરનો વહીવટ વહીવટીતંત્ર હસ્તક લીધો છે.
શિવરાત્રી દરમિયાન ભવનાથ મંદિરના વહીવટ માટે જિલ્લા કલેક્ટરે નાયબ કલેક્ટર રાજેશ આલની નિમણૂક કરી છે. આ અંગેનો અમલ ૨૮મી ફેબ્રુઆરી સુધી રહેશે. તેમાં મંદિરના આવક-જાવકના હિસાબો અને સુચારુ સંચાલનનો સમાવેશ થાય છે. આ માટે સંસ્થાના નામનું એક બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે.
મંદિરમાં રહેલી દાનપેટી અને ગોલખમાં રહેલા તથા મળેલા દાનની રકમનો નિયમિત હિસાબ કરાશે. મંદિરમાં રહેલી તમામ દાનપેટી, ગોલખને પંચોની રૂબરૂમાં તાળાં મારી સુરક્ષિત કરાશે અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે.

