લોહાણા સમાજ અને ગુજરાતીઓના સ્તંભ સમા વ્યક્તિ ગણાતા, સફળતા અને પ્રામાણિકતાની યશસ્વી તથા સ્વચ્છ કારકિર્દી ધરાવતા બ્રિટિશ એશિયન બિઝનેસમેન. તે છતાં તેમની ઈચ્છા તો લોકો તેમને સફળ બિઝનેસમેન તરીકે નહિ પરંતુ, એક સારા સ્વીમીંગ ટીચર તરીકે યાદ કરે તેવી હતી.
તેઓ ટિલ્ડા રાઈસ એમ્પાયર ઉભું કરનારા રશ્મી ઠકરાર હતા. ગયા શુક્રવારે ૭૦ વર્ષની વયે તેમનું નિધન થયું. છેલ્લાં કેટલાક મહિનાથી તેઓ કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. પ્રાર્થના સભામાં એક હજાર કરતાં વધુ લોકોની હાજરીમાં તેમના પુત્ર શમિલે તેમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે બધું પૂરી ગરિમા, શાંતિ અને સ્મિત સાથે કર્યું હતું. રશ્મીભાઈ તેમના પરિવારને પાણીપૂરીનું ઉદાહરણ આપતા હતા. પાણીપૂરીમાં ગળ્યું અને ખાટું બન્ને પાણી ભેગા હોય તો જ તેની મઝા માણી શકાય. જીવન પણ મીઠાશ અને કડવાશથી ભરેલું છે.
ગીતાના ઉપદેશોને તેમણે જીવનમાં ઉતાર્યા હતા. તેઓ સારી અને ખરાબ બન્ને સ્થિતિને સમાનભાવે મૂલવતા હતા.
રશ્મીભાઈએ તેમના ભાઈઓ વિપુલ અને શીલેન સાથે મળીને ખૂબ નાના પાયે શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો પાઉન્ડનો ટિલ્ડા રાઈસ બિઝનેસ ઉભો કર્યો હતો. ટિલ્ડા નામ તેમની બે બહેનો ટિલા અને દક્ષાના નામ પરથી પાડ્યું હતું. આ રાઈસની ક્વોલિટી હંમેશા શ્રેષ્ઠ રહેતી.
રશ્મીભાઈ ઠકરાર તેમના ગ્રાહકો માટે ચોખામાં શ્રેષ્ઠ ગણાતા બાસમતી ચોખા લાવ્યા તે કહેવું સાચું છે. તેઓ ગ્રાહકોને હંમેશા શ્રેષ્ઠ વસ્તુ આપવામાં જ ગૌરવ અનુભવતા હતા.
રશ્મીભાઈ મોટાભાગનો સમય ભારતમાં હરિયાણાના ગુડગાંવમાં ખેડૂતો વચ્ચે જ ગાળતા હતા. ત્યાં જ તેમણે શ્રેષ્ઠ ગુણવત્તા મેળવવા માટે ચોખાનો પાક લેતા ખેડૂતો સાથે ગાઢ સંબંધ વિક્સાવ્યા હતા. ત્યાં જ તેઓ ખેડૂતોના બાળકો માટે સ્વીમીંગ કોચ બન્યા હતા. જ્ઞાન વહેંચવું, શીખવવું અને અનુભવ મેળવવો તે તેમના ગુણ હતા. આ બધું તેઓ ખૂબ નિષ્ઠાથી કરતા હતા.
રશ્મીભાઈને હું ઘણા વર્ષોથી જાણતો હતો. પરંતુ, જ્યારથી તેમણે ભારતમાં વધુ સમય ગાળવાનું શરૂ કર્યુ ત્યારથી તેમની સાથેનો મારો નિયમિત સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લે હું તેમને લેસ્ટર યુનિવર્સિટી ખાતે સર નીલેશ સામાણીના સન્માન સમારોહમાં મળ્યો હતો. તેમાં તેઓ શુભેચ્છક હતા. તે વખતે પણ રશ્મીભાઈના ચહેરા પર જોશ, ઉત્સાહ અને આનંદ જોવા મળ્યા હતા.
યુગાન્ડાના એક શરણાર્થી તરીકે યુકેમાં શરૂઆત કરીને ખૂબ સફળ ઉદ્યોગ સાહસિક બનનાર અને વિશ્વમાં ચોખાની એક શ્રેષ્ઠ બ્રાન્ડ વિક્સાવનાર તરીકે રશ્મીભાઈ ઠકરાર ઉમદા ઉદાહરણરૂપ હતા.
રશ્મીભાઈ તેમની પાછળ પત્ની રેખા, પુત્રો શમીલ, રામ અને તેમના પરિવારને છોડી ગયા છે.

