સુરતઃ રાજયની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રવિવારે રાજ્યભરના રેલવે પ્રોજેક્ટની શિલાન્યાસ વિધિ સાથે ‘દિશા એપ’નું લોન્ચિંગ કર્યું હતું. પ્રભુ સુરતમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં જવા માટે જેવા કારમાંથી નીચે ઉતર્યા કે તરત યૂથ કોંગ્રેસના એક કાર્યકરે તેમના ગળામાં કાળો ખેસ પહેરાવી દીધો હતો. જ્યારે અન્ય કાર્યકરોએ ‘ભાજપ હાય હાય’ના સૂત્રો પોકારતાં પ્રભુનાં ખિસ્સામાં ગુલાબનું ફૂલ અને લોલીપોપ મૂકી દીધી હતી. જોકે, અઠવા પોલીસ તાત્કાલિક ધસી જઈ ૧૨ કાર્યકરોને પકડી પોલીસ મથકે લઈ ગઈ હતી.
આ ઘટના અંગે સ્પેશિયલ ટીમની રચના કરી તપાસ થાય એવો અંદેશો છે. સહારા દરવાજાના ટપકતાં ગરનાળાની સમસ્યા દૂર કરવા માટે રેલવે તંત્ર અને મહાપાલિકા બહાનાબાજી કરે છે. કોઈ નક્કર આયોજન કરવામાં ન આવતું હોવાથી શહેર યૂથ કોંગ્રેસના નેજા હેઠળ રવિવારે શહેરમાં આવેલા સુરેશ પ્રભુનો વિરોધ કરવામાં આવ્યો હતો.

