રાજકોટઃ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ આયોજિત ફુલ મેરેથન ૨૦૧૭ને રાજકોટવાસીઓ તરફથી રવિવારે જોશભેર પ્રતિસાદ મળ્યો હતો.
રેસકોર્સ મેદાનમાં વિવિધ કેટેગરીના સ્પર્ધકોને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મેરેથનના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારા, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમ સિંઘ ગેહલોત, કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ફલેગઓફ આપીને મેરેથનનો પ્રારંભ કરાવ્યો હતો. સવારે ૫.૩૦થી ૭ વાગ્યા દરમિયાન જાણે ધસમસતો માનવ પ્રવાહ દોડતો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રાજકોટવાસીઓએ આ ભવ્ય આયોજનને ઐતિહાસિક બનાવ્યું હતું.
રાજકોટમાં યોજાયેલી મેરેથન ત્રણ મુદ્દા પર આધારિત હતી. જેમાં સ્વચ્છ શહેર, ટ્રાફિક મુક્ત શહેર અને પાણીના સમજણ સાથે વપરાશ કરતા શહેરનો સમાવેશ થાય છે. આ મેરેથનમાં દેશવિદેશમાંથી આવેલા આશરે ૬૩,૫૯૪ દોડવીરોએ ભાગ લઈને આ દોડને ભારતમાં પ્રથમ ક્રમાંકની અને એશિયાની બીજા ક્રમાંકની હોવાનો વિક્રમ નોંધાવ્યો હોઈ શકે છે.
રેસકોર્સમાં ફ્રી વાઇ ફાઇ ઝોન
છેલ્લા બે વરસથી રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં રેસકોર્સને ફ્રી વાઇ ફાઇ ઝોન બનાવવાની દરખાસ્ત ચાલતી આવતી હતી. અંતે મેરેથનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રેસકોર્સને ફ્રી વાઇ ફાઇ ઝોન તરીકે જાહેર કરીને આ ડિજિટલ વિસ્તારમાં નેટનું લોન્ચિંગ કર્યું હતું.
ફુલ મેરેથનના વિજેતાઓ
• પુરુષઃ ૧. ફિલિપ યેગો કિપકૂરગાટ ૨. એડવિન રૂટીઓ ચેરયોટ ૩. મેથ્યુ લેલ કિરકોરીર
• સ્ત્રીઃ ૧. ગ્લાડિસ ટેરસ જેપકેચેટ ૨. બ્રતુકન બેરિહૂન અડેબા ૩. સ્મિતા શર્મા
હાફ મેરેથનના વિજેતાઓ
• પુરુષઃ ૧. હોસિયા એનેસોમુક નેઇસેલ
૨. વિષ્ણુલાલ ડાંગી ૩. ડામોર મોહનભાઈ
• સ્ત્રીઃ ૧. મંજુ યાદવ ૨. જેરોના બ્રિગીડ કિમીતવાઈ ૩. પૂનમ સિંઘ

