સરદાર પટેલ એર પોર્ટ પર એરોબ્રિજ ન મુકાતાં મુસાફરોને મુશ્કેલી

Wednesday 08th February 2017 07:36 EST
 
 

અમદાવાદઃ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર નવા બે એરોબ્રિજ ન મુકાતા મોડી રાત્રે વિદેશ જતાં પ્રવાસીઓને હાલાકી વેઠવી પડે છે. રાત્રે વારાફરતી પાંચ ફ્લાઈટ રવાના થાય છે એ સામે બે એરોબ્રિજની વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓને લક્ઝરી કોચરમાં થઈને જવું પડે છે. છેલ્લા કેટલાક સમયથી હાલાકીનો સામનો કરી રહેલા પ્રવાસીઓની અસુવિધાને લઈને ઓથોરિટીની આ બેદરકારી છતી થઈ છે.
આંતરરાષ્ટ્રીય એર પોર્ટ નવું બનાવ્યું ત્યારથી જ બે એરોબ્રિજ યથાવત છે બે નવા એરોબ્રિજની જગ્યા હોવા છતાં વ્યવસ્થા ઊભી કરાઈ નથી. હાલમાં એર પોર્ટ પર મોડી રાત્રે થોડા થોડા સમયના અંતરે પાંચ ફ્લાઈટના ડિપાર્ચર હોવાથી તમામ પ્રવાસીઓને એરોબ્રિજની સુવિધા મળતી નથી. એમિરેટ્સ, કતાર સહિતની ફ્લાઈટમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને ફ્લાઈટમાં બેસવા માટે લક્ઝરી કોચમાં લઈ જવામાં આવે છે જેના કારણે પ્રવાસીઓને વિલંબ થાય છે તો ઓથોરિટીને અનેક એરલાઈન કંપનીઓએ નવા બે એરોબ્રિજ મૂકવાની અનેક રજૂઆતો કરી છે તેમ છતાં ઓથોરિટી નીરસ દેખાય છે.
જોકે આ હાલાકીઓ છતાં ઇ-વિઝાની સુવિધા ધરાવતા ૧૬ એર પોર્ટમાં અમદાવાદ ૧૦મું સ્થાન ધરાવતું થયું છે. સરકાર દ્વારા ૧૬ એર પોર્ટ પર ઇ-વિઝાની શરૂઆત કરાઈ છે. ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૬૨૨૫૦ લોકો ઇ-વિઝા પર દેશમાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ ૩૬૪૪ લોકો બ્રિટનથી ભારતમાં આવ્યા હતા. ત્યાર બાદ ૧૨૪૯૩ લોકોની સાથે અમેરિકનો બીજા નંબરે સૌથી વધુ ભારતમાં આવ્યા. ભારતમાં ૫૯૩૮૩ લોકો દિલ્હી એર પોર્ટ પરથી પ્રવેશ્યા હતા. જ્યારે અમદાવાદ એર પોર્ટથી ભારતમાં આવનારા લોકોની સંખ્યા ૨૭૫૮ હતી. ભારતમાં આવતા વિદેશી પર્યટકોની કુલ સંખ્યામાં પણ ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ૧૩.૬ ટકાનો વધારો નોંધાયો છે.
ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન ઇ-પર્યટન વિઝા પર ૧૬૨૨૫૦ લોકો ભારતમાં આવ્યા હતા. જ્યારે ડિસેમ્બર ૨૦૧૫ દરમિયાન આ સંખ્યા ૧૦૩૬૧૭ નોંધાઈ હતી. ભારતમાં ૧૬ એર પોર્ટ પર ૧૫૦ દેશના લોકોને ઇ-વિઝા આપવાની સુવિધા શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus