નવી દિલ્હીઃ સામાન્ય રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી જવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સહારાને મોટો ઝાટકો આપ્યો છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સહારાને જણાવ્યું કે, સહારા પૈસા જમા ન કરાવતા હોય તો લોનાવાલામાં આવેલી તેમની એમ્બીવેલી ટાઉનશિપ ટાંચમાં લેવાશે. સહારા જૂથ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા ન મળતાં સુપ્રીમે ટાઉનશિપને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. સહારા દ્વારા લોકોનાં બાકી લેણા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી રૂ. ૩૯,૦૦૦ કરોડની પ્રોપર્ટી હવે કોર્ટની કસ્ટડીમાં રહેશે.
સહારા દ્વારા રોકાણકારોના ૧૪,૭૭૯ કરોડ પરત કરવાના બાકી છે. આ માટે જ કોર્ટ દ્વારા સખત પગલાં લેવાયા હતાં. જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વવાળી બેન્ચે જણાવ્યું હતું કે, સહારા દ્વારા થોડી થોડી રકમની ચૂકવણી કરાય છે. આ રીતે ઘણો સમય પસાર થાય. કોર્ટ હવે બાકીની રકમ એકસાથે માગી રહી છે. સહારા દ્વારા આ રકમ ચૂકવાયા બાદ એમ્બીવેલી પ્રોજેક્ટ સહારાને હસ્તગત કરાશે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, બીજી તરફ બે અઠવાડિયામાં સહારાની એવી તમામ સંપત્તિઓની યાદી માગવામાં આવી છે જે બિનવિવાદિત છે અને જેની હરાજી દ્વારા પૈસા ઉપજાવી શકાય તેમ છે. કોર્ટે સુબ્રતો રોય સહારાને રાહત આપતાં છ ફેબ્રુઆરીએ પૂરાં થતાં તેમના પેરોલ બે અઠવાડિયા માટે વધારી દેવાયા છે. સહારા દ્વારા સેબીને ૬૦૦ કરોડની ચૂકવણી કરવામાં આવતાં કોર્ટે પેરોલ વધારી આપ્યા હતા.
૨૦૧૯ સુધીમાં ચૂકવણીની ઓફર ફગાવી સહારા દ્વારા બાકી નીકળતી રકમ જુલાઈ ૨૦૧૯ સુધીમાં ચૂકવી દેવાની દલીલ કરાઈ હતી જે કોર્ટે ફગાવી હતી. કોર્ટ આ મુદ્દે ૨૭ ફેબ્રુઆરીના રોજ ફરીથી સુનાવણી છે.
પહેલાં મૂડી પછી વ્યાજ
સેબીએ કોર્ટને જણાવ્યું હતું કે, ૨૦૧૨ના આદેશ પ્રમાણે સહારા દ્વારા રોકાણકારો પાસેથી ખોટી રીતે ઉઘરાવવામાં આવેલી રકમ ૨૬,૦૦૦ કરોડ થતી હતી. તેનું વ્યાજ ગણવામાં આવે તો આ આંકડો ૩૬,૦૦૦ કરોડે પહોંચે છે. સહારા દ્વારા અત્યાર સુધીમાં માત્ર ૧૧ હજાર કરોડ જ જમા કરાવવામાં આવ્યા છે. હજી ઘણી રકમ બાકી છે. કોર્ટે આ મુદ્દે જણાવ્યું કે, પહેલાં આપણે મૂડી પાછી આવે તેને પ્રાથમિકતા આપવી પડશે. ત્યારબાદ વ્યાજ અંગે વિચારવામાં આવશે.

