સુરતઃ મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લૂન કરનસદ ગામની વતની અને ચારેક વરસથી સુરતમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતી રિતુ નવલખાએ સૌથી નાની વયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને નવો વિક્રમ સર્જ્યો છે. રિતુની વય ૧૯ વર્ષ અને ૬ મહિના છે. રિતુ પહેલાં સૌથી નાની વયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો રેકોર્ડ દક્ષિણ ભારતના નિશ્ચલ નારણના નામે હતો. તે ૧૯ વર્ષ અને ૮ મહિનાની વયે સીએ થયો હતો.
રિતુના પિતા માલચંદ ઓટોમોબાઇલની દુકાન ચલાવે છે. પરિવારમાં ચાર બહેનો છે અને સૌથી મોટી બહેન તેમજ બનેવી પણ સીએ છે. જેમના પ્રોત્સાહનથી રિતુ સુરત અભ્યાસ માટે આવી હતી. તે સુરતમાં રવિ છાવછરીયાના માર્ગદર્શન હેઠળ સીએની તૈયારી કરતી હતી.
રિતુના અગાઉની શૈક્ષણિક પ્રવૃત્તિના પરિણામો જોતાં ખબર પડી જાય કે તે બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતી. સામાન્ય રીતે પાંચ વર્ષે બાળક પહેલા ધોરણમાં અભ્યાસ કરે, પરંતુ રિતુએ પાંચમે વર્ષે ત્રીજું ધોરણ પાસ કરી નાખ્યું હતું. પંદરમે વરસે ધોરણ-૧૨ પાસ કર્યું. ૧૯ વર્ષની રિતુ ઇગ્નુમાંથી બીકોમમાં ઉત્તીર્ણ થઈ અને સાથે સીએ પણ બની ગઈ છે.

