સાબદા રે’જો... ગઠિયા ફોન પર સક્રિય થયા છે

Wednesday 08th March 2017 06:25 EST
 
 

લંડનઃ જોજો હોં... કોઈ અજાણ્યા નંબર પરથી તમને ફોન આવે અને તમને પૂછવામાં આવે કે, ‘મારો અવાજ સંભળાય છે?’ તો ઉતાવળા થઈને ‘હા’ ન પાડી દેતા. ફોન કૌભાંડી તમારી ‘હા’ની જ પ્રતિક્ષા કરી રહ્યા હોય છે. તમારી ‘હા’ની આસપાસ ફોન કરનાર પોતાને અનુકૂળ હોય તેવી વાતચીત ગોઠવી દઇને પછી તમે તે માટે સહમત થઈ ગયા હો તેવું ચિત્ર ઉપસાવતું એડિટિંગ કરીને છેતરપિંડી આચરે છે. ગયા મહિને અમેરિકામાં આ પ્રકારે છેતરપિંડીની ઘટનાઓ બન્યા બાદ નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે બ્રિટિશ યૂઝર્સ પર પણ આવા અખતરા થઈ શકે છે.
અજાણ્યો ફોન કરનારો તમારી સાથે વાતચીત કરતાં પોતાની ઓળખ આપીને પોતે કંપનીમાં કામ કરતો હોય તેનું નામ પણ બોલી શકે છે. પરંતુ તે તરત પ્રશ્ન કરે છે કે તમે મારો અવાજ સાંભળી શકો છો? તેને તો ખબર જ હોય છે કે લાઈનમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી જ. તેને તો વાતચીતમાં એકમાત્ર શબ્દ ‘હા’ની જ પ્રતિક્ષા હોય છે. તે ‘હા’ શબ્દના આધારે તમે જાણે કોઈ સમજૂતી માટે તૈયાર થઈ ગયા હો તેવું ચિત્ર વાતચીતના એડિટીંગ દ્વારા ઊભું કરી દે છે. આના આધારે તમારી પાસેથી નાણાં પડાવવાનું મોટું કાવતરું પણ ઘડાઈ શકે છે. આ પછી તમારા ઘેર પહોંચી ગયેલી વસ્તુ કે સેવાનો ચાર્જ આપવા તમે ઇનકાર કરો તો તે કૌભાંડી તમે ‘હા’ કહી હોય તેવું રેકોર્ડિંગ તમને જ સંભળાવે છે. અને તમને ધમકી પણ આપી શકે છે કે તમે મૌખિક કરાર કરીને ફરી ગયા હોવાથી તમારી સામે તે કાયદેસર પગલાં લેશે.
સંખ્યાબંધ કંપનીઓ બિઝનેસ કરવા માટે વોઈસ સિગ્નેચર જ લેતી હોય છે. પરંતુ આ પ્રણાલીનો ઉપયોગ કરીને ફ્લોરિડા, પેન્સિલ્વેનિયા કે વર્જિનિયામાં કેટલાક ગઠિયાઓએ કૌભાંડો કરવાની શરૂઆત કરી છે.
બ્રિટનમાં આવેલી ટેલિફોન બ્લોકિંગ કંપનીના અધિકારીને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ફોન સ્કેમની સંખ્યા વધતી જાય છે. બ્રિટનવાસીઓ ગમેત્યારે આ કૌભાંડીઓના નિશાન બની શકે છે.


comments powered by Disqus