એક વાર, નાગર જ્ઞાતિના સિનિયર સિટીઝનોના કોઈ એવોર્ડ વિતરણ સમારંભમાં સંચાલકને ગ્લુકોઝના બાટલા ચડાવવા પડેલા! કારણ?
કારણ કે...
ધ્રુજરી ધરણેન્દ્ર, જળાંહળાં નિપૂણચંદ્ર, કાત્યાયીની બાળા, કાંક્ષીત્યાયીની બાળા, અનભિજ્ઞા દૈવત, મોહનાજ્ઞોશ, ઉચ્ચશ્રુંખલરાય, પ્રિયમ્વંદાગૌરી, દુર્લભરાયજી, પ્રત્યંચેશ્વર રાય, સર્વદમન નિર્ભિકરાય...
આવાં અઢીસો નામોનાં સાચાં ઉચ્ચારણ કરવામાં જીભ ઉપરથી એટલું બધું થૂંક ઊડયું કે ભાઈને ડિ-હાઇડ્રેશન થઈ ગયું! પછી તો બાટલા ચડાવવા જ પડે ને...
•
નટુએ તેનાં લગ્નની રજતજયંતી નિમિત્તે તેની પત્ની શાંતાને કહ્યું, ‘ડાર્લિંગ, હું તને શું આપું? મર્સિડિઝ કાર? સિલ્કની સાડી? કે હીરાનો હાર?
શાંતાએ કહ્યું, ‘મને છૂટાછેડા આપો.’
નટુએ કહ્યું, ‘સોરી, મેં એટલો બધો ખર્ચ કરવાનું વિચાર્યું નહોતું.’
•
નટુઃ મારા દાદાને ખબર હતી કે વર્ષના કયા દિવસે તેમનું મૃત્યુ થવાનું છે. એટલું જ નહીં, તેમને ચોક્કસ સમયની પણ ખબર હતી અને તે સાચા પણ પડ્યા હતા.
ગટુઃ અરે વાહ, આ તો માનવામાં ન આવે તેવું છે. તેમને આ બધી ખબર કેવી રીતે પડી?
નટુઃ ફાંસની સજા ફરમાવનાર ન્યાયાધીશે તેમને કહ્યું હતું.
•
નટુ ફૂલોના ગુચ્છા વેચતો હતો. તેની પાસે માત્ર બે ગુચ્છા રહ્યા હતા. તેની પાસેથી યુવાન ગટુ પસાર થતો હતો તેણે ગટુને કહ્યુંઃ ‘સાહેબ તમારી પત્ની માટે ગુલાબનો ગુચ્છો લઈ જાવ.
ગટુએ કહ્યુંઃ મારે પત્ની નથી.
નટુ બોલ્યોઃ તો સાહેબ, તમારી પ્રેમિકા માટે આ સુંદર સફેદ ફૂલોનો ગુચ્છો લઈ જાવ.’
ગટુએ કહ્યું, ‘મારે કોઈ પ્રેમિકા નથી.’
નટુ બોલ્યોઃ અરે... તમે તો બહુ ભાગ્યશાળી છો, પત્ની કે પ્રેમિકા નથી એની ખુશીમાં બન્ને ગુચ્છા લઈ જાઓ.
•
નટુ તેની બહેનને સાઈકલ પર બેસાડીને જઈ રહ્યો હતો ત્યારે રાહદારી ગટુએ બૂમ પાડી, ‘અરે ભાઈ, તમારી પત્નીનો દુપટ્ટો સાયકલના પૈડામાં આવી ગયો છે.’
આ સાંભળીને રોષે ભરાયેલા નટુએ કહ્યું, ‘એ... પત્ની તારી હશે. મારી તો બહેન છે.’
•
નટુ અને તેનો પુત્ર ગટુ હોડીમાં પ્રવાસ કરી રહ્યા હતા. ગટુએ કહ્યુંઃ પપ્પા, આ હોડી કેવી રીતે પાણીમાં તરતી રહે છે?’
નટુએ વિચાર કર્યો અને પછી તરત આપ્યો, ‘બેટા અત્યારે તો હું જાણતો નથી.’
થોડી વાર પછી ગટુએ બીજો પ્રશ્ન પૂછ્યો, ‘પપ્પા, માછલીઓ પાણીની અંદર શ્વાસ કેવી રીતે લે છે?’
થોડી વાર પછી ગટુએ પૂછ્યું, ‘પપ્પા આકાશ કેમ ભૂરું છે?’
ફરીથી નટુએ જવાબ આપ્યો, ‘બેટા, મને ખબર નથી.’
ગટુને એમ થયું કે તે પ્રશ્નો પૂછે છે એટલે તેના પપ્પા ચિડાય છે. એટલે તેણે કહ્યું, ‘પપ્પા હું તમને પ્રશ્નો પૂછું તો તમને વાંધો નથી ને?’
નટુએ તરત જ તેને કહ્યું, ‘ના બેટા. જો તું પ્રશ્નો નહીં પૂછે તો તું ક્યારેય કશું પણ શીખી શકીશ નહીં.’
•
પ્રોફેસર નટુ તેમના વિદ્યાર્થીઓને ચુંબનના જોખમો વિશે ચેતવી રહ્યા હતા.
તેમણે કહ્યુંઃ ‘તમને એ ખબર હોવી જોઈએ કે છોકરો છોકરીને ચુંબન કરે ત્યારે તે પોતાના મોંમાંથી ૪૦,૦૦૦ બેક્ટેરિયા તે છોકરીના મોંમાં ટ્રાન્સફર કરે છે. તમે આમાં શું કરી શકો?’
વિદ્યાર્થિની શાંતાએ જવાબ આપ્યો, ‘તેને એના બેક્ટેરિયા એ જ રીતે પાછા આપવા જોઈએ.’
