જૈફ વયે જીવન કેવી રીતે માણવું એ જાણવું હોય તો આવો મારી સાથે હેઝના નવનાત ભવનમાં!
ગુરૂવાર તા.૨૭ જુલાઇ ૨૦૧૭ની સવાર નવનાત વડિલ મંડળ માટે ખુશીઓનો ખજાનો લઇ ઉગી હતી. વડીલ મંડળના ચોથા સાંસ્કૃતિક મહોત્સવના સહભાગી બનવા થનગનતા વડીલોની હાજરીથી નવનાત હોલ ગૂંજી ઉઠ્યો હતો. વય વિષે વિચાર્યા વિના હોંશભેર ૫૦ જેટલા કલાકારો(૬૦ થી ૮૩ વર્ષ સુધીના)પોતાની કલાના દર્શન કરાવવા ઉત્સુક હતા. બાળપણ અને યુવાનીના દિવસોના સંસ્મરણો સ્ટેજ પર તાજા કરવાનો આનંદ સૌ વડીલોના ચહેરા પર છલકાતો હતો.
આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં “ગુજરાત સમાચાર"ના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહ, ડો. વિનોદભાઇ કપાશી, વિનોદભાઇ પારેખ અને યોગા ગુરૂ મનીષાબેન હતા.
સૌ પ્રથમ નવનાત વડીલ મંડળના પ્રમુખ સુરભિબેન ખોનાએ આમંત્રિત મહેમાનો સહિત ઉપસ્થિત સૌ સભાજનોનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ સુરભિબેન અને સાથી બહેનોએ નવકાર મંત્ર, ગાયત્રી મંત્ર અને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યાં કરો.ના ગાનથી મૈત્રી સભર વાતાવરણ ઉભુ કર્યું. કાર્યક્રમનો દોર જયશ્રીબેન રાજકોટીયાના હાથમાં સુપ્રત કરાયો. કોરીયોગ્રાફર કલ્પનાબેન ભટ્ટ, ઇવેન્ટ કો-ઓર્ડીનેટર પૂર્ણિમાબેન મેશ્વાણી સહિત મંડળના સૌ સભ્યોના સહકારથી અને વિશાળ હાજરીથી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો.
રિધ્ધિ-સિધ્ધિના દાતા અને વિઘ્ન હર્તા ગણેશજીની સ્તુતિ " વક્રતુંડ મહાકાય’’ ના નૃત્યથી કાર્યક્રમનો શુભારંભ થયો. ત્યારબાદ નૃત્યો, ગરબા, નાટક, મેલોડી વગેરે એક પછી એક રજુ થતા ગયા.
વડીલો અને યુવાનોને સુંદર સંદેશો આપતું, જાણીતા કવિશ્રી સુરેશ દલાલની રચના “એક ડોસો હજી ડોસીને વ્હાલ કરે છે કમાલ કરે છે’ આધારિત હાસ્યથી ભરપુર, નલિનીબેન મહેતા દિગ્દર્શિત નાટકને પણ સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. આમ મનોરંજનનો દોર આગળ વધતો રહ્યો અને પ્રેક્ષકગણ એમાં ડૂબતો ગયો. ભરપેટ મનોરંજન સાથે શાકાહારી સ્વાદિષ્ટ ભોજનની એ પળો વડિલો માટે કાયમી સંભારણા બની ગઇ. સમાપન કરતા
શ્રી ભરતભાઇ મહેતાએ આ કાર્યક્રમને યાદગાર બનાવવા ભાગ લેનાર સૌનો આભાર વ્યક્ત કર્યો.

