રૂ. ૪૫૦૦ કરોડનું હેરોઈન હેનરી શીપમાં છુપાવવા પાછળ કેપ્ટન સુરજીતનું ભેજું

Thursday 10th August 2017 01:43 EDT
 
 

પોરબંદર: પોરબંદર કોસ્ટગાર્ડે ૨૯મી જુલાઈએ ગુજરાતની જળસીમામાંથી હેનરી નામની શીપમાંથી ૧૪૫૬ કિલો હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. ૪૫૦૦ કરોડ જેટલી છે. પાકિસ્તાન અને ઇરાન વચ્ચેના ગ્વાદર પોર્ટથી ૪ ઈરાની અને ૧ પાકિસ્તાનીઓએ નાની બોટની મદદથી આ હેરોઇનનો જથ્થો હેનરી શીપ સુધી પહોંચાડ્યો હતો અને આ જથ્થો સુરક્ષા એજન્સીના હાથમાં ન આવે અને આખું કન્સાઇમેન્ટ નિયત સ્થળે પહોંચે તે માટે માસ્ટર માઇન્ડ સુરજીત તિવારીએ અલગ-અલગ શીપમાં અલગ-અલગ જગ્યાએ આ હેરોઇનનો જથ્થો છુપાવ્યો હતો જેમાં કોડ પણ અપાયા હતા હતા. અલગ-અલગ કલરના બોક્સ બનાવ્યા હતા ત્યાં કયા કલરનું બોક્સ ક્યાં લેન્ડીંગ કરવું? તેનું પણ આયોજન કર્યું હતું. આ જથ્થો છુપાવવા શીપમાં લગભગ ચાર દિવસ સુધી કામ ચાલ્યું હતું. શીપમાં કઈ રીતે હેરોઇનનો જથ્થો છુપાવાયો હતો તેની તસવીરો પણ સામે આવી છે. પાણીની ટાંકીની અંદર એક અન્ય ટાંકી બનાવી તેમાં આ જથ્થો છુપાવાયો હતો તે ઉપરાંત શીપની સાઇડમાં રેલીંગના પાઇપમાં તદઉપરાંત એન્જિનના ઉપરના ભાગની છતમાં અને ઇલેક્ટ્રિક બોર્ડમાં છુપાવી દેવામાં આવ્યા હતા.
દેવેન્દ્ર રૂ. પાંચસો કરોડ અપાવવાનો હતો
૧૫૦૦ કિલોના આ હેરોઈનના કૌભાંડ માટે સુરપ્રિત યાદવના ભાઈ સુજીત યાદવ મુંબઈના વિશાલ યાદવ અને અલંગના ઈરફાન શેખને ઝડપી લઈ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. દરમિયાનમાં નેશનલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીટની રચના કરીને તપાસનો દોર મુંબઈ, ઉત્તર પ્રદેશ અને કોલકાતા સુધી લંબાવ્યો છે. એનસીબીની તપાસમાં યુપીના બરેલીના દેવેન્દ્ર રેકેટમાં મુખ્ય સૂત્રધાર હોવાનું પગેરું મળ્યું છે. તેની તપાસ માટે ટીમો રવાના કરી છે. બરેલીના દેવેન્દ્રએ હેરોઇનનો જથ્થો સહી સલામત પહોંચાડે તો રૂ. ૫૦૦ કરોડ અપાવવાની વાત કેપ્ટન સુરજીત તિવારીને કરી હોવાનો ખુલાસો આરોપીઓ દ્વારા હાલમાં કરવામાં આવ્યો છે અને હાલમાં તો આ તસ્કરીમાં પાકિસ્તાનના માફિયા તત્ત્વોનું કનેકશન હોવાનું પણ ખૂલ્યું છે.


comments powered by Disqus