લંડનઃ ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય અને સમાજના સ્વાધ્યાયને સમર્પિત સંશોધન સંસ્થા ‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડાસ્પોરા સ્ટડીઝ’ દ્વારા વિદેશમાં રહીને ગુજરાતી સાહિત્યમાં સર્જન કરનારા લેખકોને પ્રત્યેક વર્ષે જાહેર થતો ‘ડાયસ્પોરા રાઇટિંગ ઍવોર્ડ’ ૨૦૧૫નો લંડનના જાણીતા ડાયસ્પોરા વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધલેખક વલ્લભ નાંઢાને લંડન કથા દરમિયાન તા.૧૯-૮-૨૦૧૭ને શનિવારે સાંજના કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના વરદ્દ હસ્તે એનાયત કરાશે.
વલ્લભ નાંઢાના ‘પાગલ’, ’કોનાવા’, ‘ઝંખના’, ‘વધામણી’, ‘પરી ક્યા ચીજ હૈ’, જેવા આઠેક જેટલા વાર્તાસંગ્રહો અને ‘કાળજે કોતરાયેલી પીડા’, ‘પ્રિતમ આન મિલો’ જેવી નવલકથાઓ તથા ‘બે કિનારા’ અને ‘દરિયાપારનું દ્રષ્ટિબિંદુ’ જેવા નિબંધ લેખસંગ્રહોને કારણે ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં એક મહત્વનું સ્થાન અને માન પ્રાપ્ત કરેલ છે. ઇ.સ. ૧૯૪૯થી આફ્રિકામાં અને ત્યાંના બે દાયકા પછી બ્રિટનમાં નિષ્કાસિત થયેલા વલ્લભ નાંઢા શિક્ષણ, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે પણ સક્રિય
છે. તેઓ બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ જેવી સંસ્થાના અધ્યક્ષપદે પણ નિયુક્તિ પામેલા હતા. એમની કારોબારીમાં પણ વર્ષોથી
સક્રિય છે.
ગુજરાતી ડાયસ્પોરા કવિ-લેખકો અને સાહિત્ય રસિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ સંસ્થાના માનદ્દ નિયામકશ્રી ડો.બળવંત જાનીએ પાઠવેલ છે.
