જાણીતા કથાકાર પૂ. મોરારી બાપૂ યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેમની 'રામ કથા લંડન ૨૦૧૭' શનિવાર ૧૨ ઓગસ્ટથી વેમ્બલીમાં શરૂ થઈ રહી છે. તેઓ રવિવારને ૨૦ ઓગસ્ટ સુધી કથાનો લાભ આપશે. કથાની સાથે સાથે તેઓ તેમની અદભૂત વાણીમાં વર્તમાન સમયના પ્રસંગો પણ ટાંકે છે. કથામાં તેઓ સમગ્ર સમાજને વણી લે છે અને સૌને યોગ્ય રીતે જીવન જીવવાનું પ્રેરક માર્ગદર્શન પૂરું પાડે છે.
પૂ. મોરારીબાપૂએ ૧૯૬૦માં તલગાજરડામાં સૌ પ્રથમ રામ કથા કરી હતી. તે પછી પ્રભુ ભક્તિ સાથે સમાજ સેવાનો તેમનો આ યજ્ઞ અવિરત ચાલુ જ રહ્યો છે. છેલ્લે તેમણે સ્વીત્ઝર્લેન્ડના ઈન્ટરલેકનમાં તેમની ૭૯૫મી રામ કથા કરી હતી. વેમ્બલીમાં યોજાનારી રામ કથા ૭૯૬મી છે. કથાનું આયોજનSSE અરેના વેમ્બલીમાં કરાયું છે. ૧૨મી ઓગસ્ટે કથાનો સમય સાંજે ૪થી ૭ રહેશે. રવિવાર તા.૧૩થી રવિવાર તા.૨૦ ઓગસ્ટ સુધી કથાનો સમય સવારે ૯.૩૦થી બપોરના ૧.૩૦ સુધીનો રહેશે. 'રામકથા લંડન' એપ્લીકેશન પર નિયમિતપણે કથાનો ઈંગ્લિશમાં સંક્ષિપ્ત સાર (વિવરણ) આપવામાં આવશે.
કથા દરમિયાન દરરોજ પ્રસાદ અને લંચની વ્યવસ્થા કરવામાં આવી છે. મફત પાર્કિંગની વ્યવસ્થા પણ રખાઈ છે.

