નવી દિલ્હીઃ હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટે પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નેવી ઓફિસર કુલભૂષણ જાધવની ફાંસીની સજા સામે સ્ટે ફરમાવ્યો છે. આ અંગેનો પત્ર પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મોકલી અપાયો છે. ભારતે કરેલી અપીલ પર ઇન્ટરનેશનલ કોર્ટે આ પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાન વિયેના સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું હોવાનો આક્ષેપ કરીને જાધવની ફાંસીની સજા સામે સ્ટે માગ્યો હતો.
પાકિસ્તાનની સૈન્ય અદાલતે કથિત જાસૂસીના આરોપસરમાં કુલભૂષણને ફાંસીની સજા ફરમાવી હતી. પાકિસ્તાન દ્વારા જાધવને ફાંસીની સજા જાહેર થઇ ત્યારે ભારતે પાકિસ્તાનને આ મુદ્દે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. સાથોસાથ ભારતે ઇન્ટરનેશનલ કોર્ટમાં અપીલ કરી હતી.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે ગયા વર્ષે ત્રીજી માર્ચે અશાંત બલુચિસ્તાનમાંથી જાધવની ધરપકડ કરાઈ હતી. તેના પર ઈન્ટેલિજન્સ એજન્સી ‘રો’ના નામે જાણીતી રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ માટે જાસૂસી કરવાનો આરોપ મૂકાયો હતો.
ભારતે પાકિસ્તાનના આ દાવાને ખોટો ગણાવીને જણાવ્યું હતું કે નિવૃત્ત નેવી ઓફિસર જાધવ ઈરાનમાં પોતાનો બિઝનેસ ચલાવતા હતા ત્યાંથી તેમનું અપહરણ કરાયું હતું. ઇસ્લામાબાદ સ્થિત ભારતીય કોન્સુલરને કુલદીપ જાધવને મળવા દેવાની મંજૂરી આપવા ભારતે ૧૬-૧૬ વખત વિનંતી કરી હતી, પરંતુ પાકિસ્તાને નકારી કાઢી હતી. જાધવની માતાએ પાકિસ્તાનની ઉપલી અદાલતમાં અપીલ કરી છે.

