ગાંધીનગરઃ ગુજરાતમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન (ડેવલપમેન્ટ) એક્ટ (રેરા)ના નિયમો તૈયાર થઇ ગયા છે અને ૧૨મીએ તેનું જાહેરનામું બહાર પડશે. જે પ્રમાણે ૧ મે ૨૦૧૭ પહેલાં જે બાંધકામ માટે બિલ્ડિંગ યુઝ (બીયુ) પરમિશન નથી મળી તેમને રેરાના નવા નિયમો લાગુ પડશે. જેમાં બિલ્ડર અને મકાન ખરીદનારા ગ્રાહક વચ્ચે એક એગ્રિમેન્ટનું ફોર્મ ભરવું અનિવાર્ય રહેશે.
આ ફોર્મમાં બિલ્ડર તેમના યુનિટ જે રહેણાકના હોય કે કમર્શિયલ તે અંગેની વિગતો આપશે. તેની સામે ગ્રાહક પોતે કેવી રીતે બિલ્ડરને નાણા ચૂકવશે તેની માહિતી આપશે. એગ્રિમેન્ટની શરતોનો બન્નેમાંથી જે નિયમભંગ કરી તેને લોનના લેન્ડીંગ રેટ પ્લસ ટુના વ્યાજ દર પ્રમાણે પરસ્પર દંડ ભરવો પડશે. આગામી દિવસોમાં ગુજરાતમાં વિકસતા રિયલ એસ્ટેટમાં વધુ પારદર્શકતા આવે અને ગ્રાહક સાથે છેતરપિંડી ના થાય તેની પર રેરાના નિયમો નોંધપાત્ર અસર કરશે.
ગુજરાતને લગતા રેરાના નિયમો જે કેન્દ્ર સરકારે ગુજરાત માટે બહાર પાડ્યા છે તેને આધીન હવે કાર્ય થશે. જોકે તેમાં કેટલાક ફેરફાર પણ કરવાની જોગવાઈ છે. રેરાના નિયમો બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડર, ડેવલપર્સ, પ્રમોટર્સ, રિયલ એસ્ટેટ એજન્ટ અને ગ્રાહકને લાગુ પડશે. પાંચસો ચોરસ મીટરથી વધુ અને ૮ યુનિટથી વધુ બાંધકામ હોય તેને આ નિયમો લાગુ પડશે અને ૧-૫-૨૦૧૭ પહેલા જે પ્રોજેક્ટને બીયુ પરમિશન મળી નથી તે બધાને પણ નવા નિયમો અમલકર્તા રહેશે. એજન્ટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નિયમોનો ભંગ કે છેતરપિંડી બદલ બિલ્ડરને સજા અને પ્રોજેક્ટ કોસ્ટના પાંચ ટકા સુધીના દંડની જોગવાઇ પણ નક્કી કરાઇ છે. નવા નિયમો અંતર્ગત બિલ્ડર કે પ્રમોટરે તેમના પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે જેમાં બિલ્ડરનું પાન કાર્ડ, ભાગીદારો, જમીનની કાયદેસરતા અને કાયમી ઓફિસ એડ્રેસ આપવું ફરજિયાત છે. ગ્રાહક અને બિલ્ડર વચ્ચે એક એગ્રિમેન્ટ ફોર્મ બન્ને વચ્ચે મહત્ત્વનો કરાર બનશે જે ઓનલાઇન ભરી શકાશે. રેસિડેન્શિયલ કે કમર્શિયલ ઉપરાંત, મિક્ષ ડેવલપમેન્ટ કે રિડેવલપમેન્ટ અને પ્લોટિંગને પણ આ નિયમો લાગુ પડશે. હાઉસિંગ બોર્ડ કે અન્ય સત્તા મંડળો જે આવાસ બનાવશે તેમને પણ આ નિયમો બંધનકર્તા રહેશે. બિલ્ડરને બીયુ પરમિશન મળી જાય તેના સાત દિવસમાં યુનિટનું પઝેશન આપવાનું રહેશે. સામે ગ્રાહકે ૧૫ દિવસમાં એગ્રિમેન્ટ મુજબ પૈસા ચૂકવીને પઝેશન લઇ લેવાનું રહેશે.

