ડેમોક્રસી, ડિમાન્ડ અને ડેમોગ્રાફીઃ આ થ્રી-ડીમાં છે ભારતની તાકાત

આ થ્રી-ડીમાં સમાયેલી છે ભારતની તાકાતઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વડા પ્રધાન

Wednesday 11th January 2017 05:16 EST
 
 

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિશ્વની ટોચની કંપનીઓના વડાઓ અને વિવિધ દેશોના પ્રતિનિધિ-મંડળોની ઉપસ્થિતિમાં આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે ભારતની તાકાત થ્રી-ડી એટલે કે ડેમોગ્રાફી, ડેમોક્રસી અને ડિમાન્ડમાં સમાયેલી છે. આપણે જોયું છે કે લોકતાંત્રિક માળખામાં તેનું ઝડપથી પરિણામ મળ્યું છે. છેલ્લા અઢી વર્ષમાં આપણે દરેક રાજ્યમાં એક તંદુરસ્ત સ્પર્ધા ઉભી કરી શક્યા છીએ.
તેમણે કહ્યું હતું કે ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની ધરતી છે. તે પોતાની ઉદ્યોગ સાહસિક્તા માટે પણ જાણીતું છે. ગુજરાત ભારતના ભવ્ય વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જ જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા, ત્યાં ત્યાં તેમણે નાનું ગુજરાત વસાવ્યું છે. અને આથી જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે છે ગુજરાત, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત...
મેઈક ઈન્ડિયા થકી ભારત ક્યારેય ન બન્યું હોય તેવું વિશ્વમાં સૌથી મોટી બ્રાન્ડ બન્યું છે. મેઇક ઈન ઈન્ડિયા વિશે તેમણે કહ્યું કે, હું જે પણ દેશોમાં ગયો ત્યાં મેઇક ઈન ઈન્ડિયા બોલું છું. હું પાંચ વાર મેઈક ઈન ઈન્ડિયા બોલું તો, યજમાન દેશ પચાસ વખત મેઇક ઈન્ડિયા બોલે છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, આજે વિશ્વમાં ભારત છઠ્ઠો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ દેશ બન્યો છે. મેં ૨૦૦૩માં આ સમિટની શરૂઆત કરી હતી. અત્યાર સુધી આ સફર ઘણી સારી રહી છે. બધા પાર્ટનર દેશોનો આભાર માનું છું.

ગુજરાતી વાક્યોથી પ્રારંભ

વાઈબ્રન્ટ સમિટનું આજનુ બીજા દિવસનું મુખ્ય આકર્ષણ ગ્લોબલ સીઈઓ સમિટ રહી હતી. જેમાં વિવિધ દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ વાઈબ્રન્ટ ગુજરાતના પોતાના દરેક સંબોધનની શરૂઆત ગુજરાતી વાક્યોથી કરી હતી. કોન્ક્લેવની શરૂઆતમાં જ તેમણે ‘સમિટ ઓફ સક્સેસ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમિટમાં વિક્રમજનક રકમના સમજૂતી કરાર (એમઓયુ) થવાના સંકેત છે.
ત્યાર બાદ તેમણે ‘ભલે પધાર્યા...’ કહીને સંબોધનની શરૂઆત કરી હતી.
વડા પ્રધાને કાર્યક્રમના પ્રારંભે વાઈબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર કન્ટ્રી બનનાર દેશોનો આભાર માન્યો હતો. જેમાં કેનેડા અને જાપાનનો સવિશેષ ઉલ્લેખ હતો. તેમણે કહ્યું હતું કે, તમારા સહયોગ વગર આઠમી સમિટ ગત સમિટ કરતા વધુ સારી બની શકી ન હોત. ગત સમિટ કરતા હાલની સમિટ સૌથી મોટી છે. જેને કારણે તે સાચા અર્થમાં ગ્લોબલ ઈવેન્ટ બની રહી છે.

ભારત વાઇબ્રન્ટ યુથનો દેશ

આપણો દેશ વાઈબ્રન્ટ યૂથનો દેશ છે અને સમગ્ર વિશ્વમાં ઇંગ્લીશ ભાષા બોલવામાં ભારત બીજા ક્રમે છે. આપણા સંસ્થાનો અને વિદ્વાનો હવે વિદેશમાં પ્રખ્યાત બન્યા છે. દેશ હવે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં ઈમર્જિંગ હબ બન્યો છે. વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સ પેદા કરવામાં અવ્વલ બન્યો છે. દેશના વિકાસમાં ડિજીટલ ટેક્નોલોજીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ઈ-ગર્વન્સનો મતલબ ઈફેક્ટીવ ગર્વનન્સ છે. ઓનલાઈન કાર્યવાહીથી કામમાં ઝડપ વધી છે અને તેના પગલે ઝડપથી નિર્ણયો લઈ શકાય છે.
રાજ્યોની પહેલ અને કેન્દ્ર સરકારના સહયોગના સંયુક્ત પ્રયાસોએ મેઈક ઈન ઈન્ડિયાની સફળતા માટે અનેક દ્વાર ખોલી નાખ્યા છે. આ કારણે રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય છે. સ્પર્ધાઓ તો પહેલા પણ થતી હતી, પરંતુ હવે સારો વહીવટ, ઈકો સિસ્ટમ, વેપાર-ઉદ્યોગ માટે મિત્રતાપૂર્ણ માહોલના કારણે બહારથી વધુ લોકો આવવા લાગ્યા છે. પરિમાણે હવે દેશ છોડીને દુનિયામાં અન્ય ક્યાંય જવું પડતું નથી. આ મુદ્દે હું ગુજરાતને અભિનંદન આપું છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યે સીધું વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું છે.
ભારત એવો દેશ છે, જ્યાં આપણે ગામ અને શહેર વચ્ચે સંતુલિત વિકાસ સાધવા માગીએ છીએ. આપણી નીતિઓનો લાભ ગામ અને શહેર બંનેને સમાન મળવો જોઈએ. દરેક ગરીબને ૨૦૨૦ સુધીમાં ઘર મળવું જોઈએ તે અમારું સપનું છે.
અત્યંત વ્યસ્ત શિડયુલ વચ્ચે વડા પ્રધાન મોદીએ સવારે નોબેલ લોરિએટ સેમિનાર બાદ ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો પણ યોજી હતી. આ પછી બપોરે મહાત્મા મંદિરમાં સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં સાંજે વિશ્વની પ્રથમ હરોળની કંપનીઓના ૬૦ સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી. મંગળવારે માત્ર એક જ દિવસમાં વડા પ્રધાને નાના-મોટા સળંગ ૧૨ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત એક બ્રાન્ડ

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત એ ગૌરવની વાત છે. વાઈબ્રન્ટ ગુજરાત હવે એક બ્રાન્ડ છે. રોજગારી આપવામાં ગુજરાત આગળ છે. વાઈબ્રન્ટ સમિટ એ ગુજરાતની ઓળખ છે. છેલ્લા ૧૫ વર્ષમાં રોજગારી આપવામાં ગુજરાત આગળ રહી શક્યું છે. ગુજરાતી યુવાનો જોબ સિકરમાંથી જોબ ગિવર બન્યાં. આદિવાસી વિકાસમાં પણ આપણે અગ્રેસર છીએ. વાઈબ્રન્ટ ગુજરાત હવે એક બ્રાન્ડ છે.

પહેલા ગુજરાત અને હવે ભારત

રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે પહેલા તમે ગુજરાતને બદલ્યું અને હવે ભારતનો વારો છે. વિશ્વના કોઈ નેતા આટલા ટૂંકા ગાળામાં લોકોના માઈન્ડ સેટ બદલી શક્યા નથી. વ્યાપાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે છે. રિલાયન્સ ગુજરાતી કંપની છે તેનું અમને ગૌરવ છે. ઈતિહાસ વડા પ્રધાન મોદીને ટ્રાન્સફોર્મ લીડર તરીકે ઓળખશે. વડા પ્રધાને સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમોની શરૂઆત કરીને દેશની તસવીર બદલી નાખી છે.

‘વાઈબ્રન્ટ ગુજરાત’ મોડેલ

સમિટને સંબોધતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં ફેરવાઈ ગઈ છે. અનેક અન્ય રાજ્યોએ વાઈબ્રન્ટ ગુજરાતનું મોડેલ અપનાવ્યું છે અને રોકાણ વધાર્યું છે. ગુજરાત એ અદાણી ગ્રૂપની કર્મભૂમિ છે. તેમણે કહ્યું કે ગુજરાત એ મારું હોમ સ્ટેટ છે. સીએમ વિજય રૂપાણીના નેતૃત્વના પણ તેમણે વખાણ કર્યાં. અદાણી જૂથે શરૂઆતથી જ ગુજરાતમાં રોકાણ કર્યું છે.

દિગ્ગજોની હાજરી

રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, ટાટા જૂથના મોભી રતન ટાટા, એડીએજીના અનિલ અંબાણી, મહિન્દ્રા જૂથના આનંદ મહિન્દ્રા સહિતના ભારતીય ઔદ્યોગિક જુથના વડાઓ, સીઇઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અરુણાચલના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ, રશિયા તથા પોલેન્ડ જેવા દેશના નાયબ વડા પ્રધાન ૩૫ દેશોના રાજકીય ડેલિગેટ્સ સહિત વિશ્વભરમાંથી પાંચ હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

કયા દેશ વાઇબ્રન્ટમાં પાર્ટનર

વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, યુએઇ, અમેરિકા, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સ્વિડન અને યુકે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. આ ઉપરાંત સમિટમાં પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા ૩૦ સભ્યોનું ડેલિગેશન, સર્બિયાના વડા પ્રધાન એલેકઝાન્ડર વિસિક ૫૦ સભ્યો સાથે, ફ્રાન્સના ફોરેન મિનિસ્ટર જિન માર્ક ૫૦ સભ્યોના ડેલિગેશન સાથે, જાપાનના અર્થશાસ્ત્રી હિરોશીજ શેકો ૨૦૦ સભ્યો સાથે, સ્વિડનના શિક્ષણ પ્રધાન અન્ના એકસ્ટ્રોમ પ્રતિનિધિઓ સાથે, સેન્ટ્રલ એશિયા અફેર્સના આસી. સેક્રેટરી નિશા દેસાઈ બિસ્વાલ ૧૦૦ સભ્યો સાથે, ઓસ્ટ્રેલિયાના સ્પેશિયલ એમ્બેસેડર ફોર ઇન્ડિયા બેરી ઓફરેલ, નેધરલેન્ડના એમ્બેસેડર અલ્ફોનન્સ સ્ટોઇલિંગા ૨૫ પ્રતિનિધિ સાથે સમિટમાં પહોંચ્યા છે.


comments powered by Disqus