વડોદરાઃ વિશ્વમાં પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને ૩૦ વર્ષથી નીચેની વય ધરાવતાં વિશ્વના ૩૦ પ્રતિભાશાળી યુવાઓની યાદીમાં વડોદરાના યુવા વૈજ્ઞાનિક કરણ જાનીનો સમાવેશ કર્યો છે. કરણ જાનીએ તાજેતરમાં ગ્રેવિટેશનલ વેવ્સને લગતી સદીની સૌથી મહત્વની અને ઐતિહાસિક શોધ સાથે સંકળાયેલી વૈજ્ઞાનિકોની ટીમના સભ્ય તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
હાલ કરણ અમેરિકાની જ્યોર્જિયા ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં પીએચડી કેન્ડિડેટ છે. આ સિદ્ધિ અંગે વાત કરતાં કરણ જાનીએ જણાવ્યું હતું કે, ફોર્બ્સે ટ્વિટર ઉપર ટ્વિટ કરીને જાણ કરતા આનંદ થયો હતો. જાન્યુ, ૨૦૧૬થી ડિસેમ્બર, ૨૦૧૬ સુધી લીગો ખાતે અપગ્રેડેશન અને મેન્ટેનન્સ માટે રિસર્ચ વર્ક બંધ હતું. હવે તે શરૂ થયું છે. બ્લેક હોલ્સની અથડામણથી સર્જાતાં વેવ્સ શોધવામાં સફળતા બાદ હવે અમે બે તારાના અથડાવાથી સર્જાતાં વેવ્સ જોવા મળશે. આ વર્ષનો અમારી ટીમનો આ લક્ષ્યાંક છે.
૨૮મી જુલાઈ, ૨૦૧૫ના રોજ ભૌતિકીય વેધશાળા લીગો દ્વારા સદીની સૌથી મહત્વની ગ્રેવિટેશનલ વેવ્સની શોધ કરવામાં સફળતા મેળવતાં વિશ્વમાં તેની નોંધ લેવાઈ હતી. વર્ષો સુધી ચાલેલી આ શોધમાં સંકળાયેલી ટીમમાં વડોદરાના કરણ જાનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

