અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોડી સાંજે સાયન્સ સિટીમાં ૯ નોબલ વિજેતા વિજ્ઞાનીઓની ઉપસ્થિતિમાં ‘નોબલ પ્રાઇઝ સીરિઝ’ વિજ્ઞાન પ્રદર્શન ખૂલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે તેમણે એમ્ફી થિયેટરમાં એકત્ર કરાયેલા વિજ્ઞાનરસિક વિદ્યાર્થીઓના માધ્યમથી થકી દેશના યુવાવર્ગને જણાવ્યું હતું કે તમે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના ભારતનું ભવિષ્ય છો. ભારત જેવા દેશમાં સ્થાનિક ઉદ્યોગ-વ્યાપારની જરૂરિયાત અનુસાર વૈજ્ઞાનિક માનસિકતા ઊભી થાય, શિક્ષિત યુવાનોને પૂરતી અને ઇચ્છીત રોજગારની તક મળે તે જરૂરી છે અને તેના માટે આ બીજ વાવવામાં આવ્યા છે, પણ જોજો ભણીગણીને વિજ્ઞાની બનીને ભારત સામે ગરીબી નિર્મૂલનનો જે મોટો પડકાર છે તેને ભૂલી ના જતાં.
નિયત કાર્યક્રમ કરતાં સવા કલાક મોડા આવેલા વડા પ્રધાને લગભગ ૧૫ મિનિટના ભાષણમાં યુવાવર્ગને કેન્દ્રસ્થાને રાખ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે મારી સામે લઘુ ભારત છે, ભાવિ વિજ્ઞાનીઓ મારે સામે બેઠાં છે, ત્યારે હું તમને બધાને પરિવાર-મિત્રો સાથે આ પ્રદર્શન માણવા અને એ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ, માનસિકતા કેળવવા આમંત્રણ આપું છું. અમારી સરકારનું વિઝન આવતા ૧૫ વર્ષમાં દેશને સાયન્સ અને ટેકનોલોજીની દિશામાં આગળ ધપાવવાનું છે, સાચા અર્થમાં દેશની તાકાત બહાર લાવવાનું છે. અમારું લક્ષ્ય દરેક યુવાનમાં રહેલી પ્રતિભા અને કૌશલ્ય બહાર લાવવાનું છે, જેથી સરવાળે વિશ્વમાં ભારત વિજ્ઞાન માટેનું ડેસ્ટિનેશન બને. મોદીએ દરિયાના પેટાળમાં ધરબાયેલા કેમિકલ્સ તથા સાયબર સિસ્ટમ ક્ષેત્રે શોધ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
નોબલવિજેતા વેન્કીને વિશેષ માન
ગુજરાતના મહેમાન બનેલા ૯ નોબલ વિજેતાઓમાં ડો. વેન્કટ રામક્રિષ્નનનો પણ સમાવેશ થાય છે. તેઓ ભારતમાં જન્મેલા છે અને વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં બાયોલોજી વિષયમાં સ્નાતક થયેલા છે. નોબલ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે તેઓ સિલ્કના સફેદ કૂર્તા પાયજામા ઉપર કોટી પહેરીને તદ્દન ભારતીય પરિવેશમાં સજ્જ થઈને આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મોદી તમામ વિજ્ઞાનીઓ સાથે હસ્તધૂનન અને પરિચય કરતા હતા ત્યારે તેઓ વેન્કી પાસે બે સેકન્ડ વધુ થોભ્યા હતા અને તેમની સાથે ઉષ્માભેર હાથ મિલાવ્યો હતો. એ વખતે પ્રેક્ષકગણમાં બેઠેલાં વિદ્યાર્થીઓએ આનંદથી ચિચિયારીઓ પાડી હતી. મોદી એમના પ્રવચન વખતે પણ વેન્કીનો નામજોગ ઉલ્લેખ કરીને આદર દર્શાવવાનું ચૂક્યા નહોતા.
વિજ્ઞાનીઓની મુલાકાત ચિરંજીવ
દેશમાં પહેલી વાર નોબલવિજેતા વિજ્ઞાનીઓને ગુજરાતની ધરતી ઉપર એક સાથે મોટી સંખ્યામાં એકઠાં કરી નોબલ પ્રદર્શન યોજવાની ઇવેન્ટને ચિરંજીવી બનાવવા માટે વડા પ્રધાન મોદી તથા નોબલવિજેતા ૯ વિજ્ઞાનીઓના બંને હાથોના પંજાના નિશાન લેવાયા છે, જે સાયન્સ સિટીના મુલાકાતીઓ હંમેશાં જોઈ શકશે.

