• રશિયા-પોલેન્ડનો સહયોગઃ વડા પ્રધાને મહાત્મા મંદિરમાં રશિયા અને પોલેન્ડના ડેલિગેશન સાથે બેઠક યોજી હતી અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ માટે બન્ને દેશનો સહયોગ માગ્યો હતો. વડા પ્રધાને મહાત્મા મંદિરમાં રશિયાના નાયબ વડા પ્રધાન દિમિત્રી રોગાઝીન અને તેમના ડેલિગેશન સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ પોલેન્ડના નાયબ વડા પ્રધાન પોઓટ્રે ગ્લીવીસ્કી અને તેમના ડેલિગેશન સાથે પણ બેઠક કરી હતી. વડા પ્રધાને ‘મેઇક ઇન ઇન્ડિયા’ અંતર્ગત શસ્ત્રોના ઉત્પાદન અંગે રશિયાના સહયોગ અંગે ચર્ચા થઈ હતી.
• કચ્છમાં બુલેટપ્રૂફ જેકેટ બનાવાશેઃ જવાનોની રક્ષા માટે બુલેટપ્રૂફ જેકેટનું ઉત્પાદન હવે કચ્છમાં થશે. તે માટે સમિટમાં એમઓયુ થશે. વિદેશમાં જ્યાં પોલીસ જવાનો પાસે પણ બુલેટપ્રૂફ જેકેટ હોય છે ત્યારે ભારતમાં હાલની સ્થિતિમાં આ ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. મોરબીના ઓરેવા-અજંટા ગ્રુપના ચિંતન ભલોડિયાએ જણાવ્યું કે તેમનું ગ્રુપ ગુજરાતમાં બુલેટપ્રૂફ જેકેટના ઉત્પાદન બાબતે એમઓયુ કરવા ઇચ્છે છે. ૧૫૦થી ૨૦૦ કરોડના રોકાણ દ્વારા તેઓ આ ઉત્પાદનમાં આગળ વધવા ઇચ્છે છે. બુલેટપ્રુફ જેકેટના ઉત્પાદન માટે તેઓ કચ્છમાં તેનું એકમ સ્થાપવા ઇચ્છે છે. આ ઉપરાંત કંપની પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્ર પણ તેઓ એમઓયુ કરવા જઈ રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
• સુરક્ષાના કારણ વિદેશી મહેમાનો અટવાયાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ થીમ પેવેલિયનની મુલાકાત લીધી ત્યારે હેલિપેડ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષાના કારણસર વિદેશથી આવેલા પ્રતિનિધિઓને ડોમની બહાર જ ઊભા રહેવાની ફરજ પડી હતી. આમ વિદેશી મહેમાનોને હાલાકી ભોગવવી પડી હતી. વડા પ્રધાને આ સ્થળ છોડ્યું એ પછી જ વિદેશી મહેમાનોને પેવેલિયનમાં જવા દેવાયા હતા.
• ટીમલી નૃત્યનો અનોખો નજારોઃ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટમાંથી વીવીઆઈપી મહેમાનો બહાર નીકળે એટલે તેમને ટીમલી નૃત્યનો નજારો જોવા મળતો હતો. આ વખતે વાઇબ્રન્ટ ગુજરતામાં એરપોર્ટની અંદરની સાઇટ આદિવાસી લોક નૃત્ય અને ટીમલી નૃત્ય માટે છોડા ઉદેપુરથી ખાસ કલાકારોને આમંત્રણ અપાયું છે. પ્રથમ વાર એરપોર્ટની સિક્યોરિટી એરિયામાં ટીમલી નૃત્ય માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત કરવા માટે આ પહેલે આકર્ષણ જમાવ્યું હતું.
• યુએઈના એમ્બેસેડર ૫૦ ડેલિગેશન સાથે આવ્યાઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ના એમ્બેસેડર અહેમદ અલ બનાએ એરપોર્ટ પર જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૭ માટે હું ૫૦ પ્રતિનિધિ સાથે આવ્યો છે. મારી સાથે કંપનીઓના વડાઓ છે અને અમે ગુજરતામાં રોકાણ કરવા માટે તત્પર છીએ. અમને વાઇબ્રન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના માટે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. ગુજરાતમાં નેટવર્કિંગ ક્ષેત્રે રોકાણ કરવા માટે આ એક ઉત્તમ તક છે. ગુજરાત એક પ્લેટફોર્મ છે.

