ગાંધીનગરઃ શહેર નજીક આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટી ખાતે બીએસઇ દ્વારા સ્થાપવામાં આવેલા ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જનું સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે આગામી ૨૦ વર્ષોમાં ભારતમાં રોજગારીની નવી ૩૦ કરોડ તકોનાં સર્જનની જરૂર છે. ‘ગિફ્ટ’ સિટી સંપૂર્ણ કાર્યરત થઇ જશે ત્યારે તે પ્રત્યક્ષ રોજગારીની ૫ લાખ તકોનું સર્જન કરશે અને સાથે સાથે ૫ લાખ લોકોને પરોક્ષ રોજગારી પણ આપશે.
ભારત હાલમાં ફાઇનાન્સ અને ટેક્નોલોજી બંને મોરચે અગ્રેસર છે ત્યારે આ બન્ને ભારતનાં ભાવિનાં નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવવા સક્ષમ છે. ભારતમાં વિશ્વકક્ષાની સુવિધા અને ટેલેન્ટ ઉપલબ્ધ બને તે હેતુ ધરાવતી આ યોજનાનું સ્વપ્ન એક્સ્ચેન્જનાં ઉદ્ઘાટન સાથે સાકાર થયું છે. આ માત્ર ગિફ્ટ સિટી માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે એક સીમાચિહનરૂપ ક્ષણ છે.
ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જમાં પ્રથમ તબક્કામાં ઇક્વિટી, કોમોડિટી, કરન્સી અને ઇન્ટ્રેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝના સોદા થશે અને આગળ જતાં ભારતીય તથા આંતરરાષ્ટ્રીય કંપનીઓના ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ અને બોન્ડના પણ સોદા થઇ શકશે. એશિયા, આફ્રિકા અને યુરોપના દેશોની કંપનીઓ પણ આ એક્સ્ચેન્જનાં માધ્યમથી ભંડોળ ઊભું કરી શકશે.
ભારત ટાઇમઝોનની શ્રેષ્ઠ સ્થિતિમાં હોવાથી આ એક્સ્ચેન્જ પૂર્વ તથા પશ્ચિમ બંનેમાં આવેલા દેશોને સેવા આપી શકશે. આ એક્સ્ચેન્જ દિવસના ૨૨ કલાક કામ કરશે અને જાપાનનાં માર્કેટ શરૂ થાય ત્યારે પ્રારંભ કરીને અમેરિકાનાં માર્કેટ બંધ થાય ત્યાં સુધી તેની સેવા ચાલુ રહશે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ્યાં જ્યાં કારોબાર થતો હશે ત્યાં ત્યાં ‘ગિફ્ટ’ સિટી પોતાનો નાણાકીય કારોબાર કરી શકશે. આ એક્સ્ચેન્જ વિશ્વના ગમે તે ટાઇમઝોનમાં ગુણવત્તાયુક્ત સર્વિસ અને અત્યંત ઝડપથી સોદા પાર પાડીને કારોબારનાં નવાં ધારાધોરણો પ્રસ્થાપિત કરશે. ગિફ્ટ સિટી દેશનાં ટેલેન્ટને વિદેશી ટેક્નોલોજી અને નિયમનકારી માળખાંની મદદથી ભારતીય કંપનીઓને તેમની વિદેશી પ્રતિસ્પર્ધી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા સમકક્ષ તકો પૂરી પાડશે એમ પણ મોદીએ ઉમેર્યું હતું.
આગામી સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું બેલ વગાડીને ઉદ્ઘાટન કરવામાં આવશે.
વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ
સ્ટોક એક્સચેન્જ
ગ્લોબલ ઇન્ડિયા ઇન્ટરનેશન સ્ટોક એક્ષચેન્જ વિશ્વનું સૌથી ઝડપી એક્ષચેન્જ બની રહેશે. અહીં ઓર્ડર રિસ્પોન્સ ટાઇમ માત્ર ચાર માઇક્રો સેકન્ડનો છે. જે વિશ્વના કોઇ પણ ઇન્ટરનેશનલ એક્ષચેંજ કરતા ઓછો છે.
ગિફ્ટ સિટીમાં આવેલા હિરાચંદાની સિગ્નેચર ટાવરમાં આ સ્ટોક એક્ષચેંજ શરૂ થયું છે. બોમ્બે સ્ટોક એક્ષચેંજના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ આશિષ ચૌહાણે જણાવ્યું કે, એક્ષચેંજમાં વર્લ્ડ ક્લાસ ડેટા સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે. માત્ર ૪૫ દિવસમાં જ એક્ષચેંજનું સમગ્ર સેટઅપ તૈયાર કરવામાં આવ્યુ છે. આ ઇન્ટરનેશનલ એક્ષચેંજ વિશ્વનું સૌથી ઝડપી એક્ષચેંજ છે. દુબઇ, સિંગાપુર, હોંગકોંગ, ન્યુયોર્ક, સિંગાપુર જેવા વિશ્વના ઇન્ટરનેશનલ એક્ષચેંજથી પણ વધુ અત્યાધુનિક આ એક્ષચેંજમાં ઓર્ડર રિસ્પોન્સ ટાઇમ માત્ર ચાર માઇક્રો સેકન્ડ રહેશે. જે વિશ્વમાં સૌથી ઓછા સમયનો રિસ્પોન્સ ટાઇમ છે. ઇન્ડિયાના ઇન્ટરનેશનલ એક્ષચેંજ બાદ સિંગાપુરના એક્ષચેંજનો રિસ્પોન્સ ટાઇમ છ માઇક્રો સેકન્ડ છે.

