નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સર્વેસર્વા મુકેશ અંબાણી સતત દસમા વર્ષે સૌથી અમીર ભારતીય જાહેર થયા છે. વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા તૈયાર થયેલી વર્ષ ૨૦૧૭ના ભારતના ટોપ-૧૦ ધનાઢયોની યાદી પ્રમાણે મુકેશ અંબાણી ૩૮ બિલિયન ડોલરની નેટવર્થ ધરાવે છે. વિશ્વમાં ભલે આર્થિક સુસ્તીનું મોજું ફરી વળ્યું હોય, પણ મુકેશ અંબાણીની નેટવર્થમાં આ વર્ષે ૧૫.૩ બિલિયન ડોલરનો તોતિંગ ઉમેરો થયો છે. રિલાયન્સ જૂથના વડાની સંપત્તિને સરખામણી કરવામાં આવે તો તે યમનની જીડીપી કરતાં ૫૦ ટકા વધુ છે.
ધનાઢય ભારતીયોની યાદીમાં બીજા ક્રમે વિપ્રો જૂથના અઝીમ પ્રેમજી (૧૯ બિલિયન ડોલર), ત્રીજા ક્રમે હિન્દુજાબંધુઓ (૧૮.૪ બિલિયન ડોલર), ચોથા ક્રમે આર્સેલર ગ્રૂપના લક્ષ્મી નિવાસ મિત્તલ (૧૬.૫ બિલિયન ડોલર), પાંચમા ક્રમે પેલોનજી મિસ્ત્રી (૧૬ બિલિયન ડોલર), છઠ્ઠા ક્રમે ગોદરેજ પરિવાર (૧૪.૨ બિલિયન ડોલર), સાતમા ક્રમે શિવ નાદર ૧૩.૬ બિલિયન ડોલર, આઠમા ક્રમે કુમાર મંગલમ્ બિરલા (૧૨.૬ બિલિયન ડોલર), નવમા ક્રમે સન ફાર્માસ્યુટિકલ ગ્રૂપના દિલીપ સંઘવી (૧૨.૧ બિલિયન ડોલર) અને દસમા ક્રમે અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી (૧૧ બિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.
ધનાઢયોની યાદીમાં સૌથી ધ્યાનાકર્ષક નામ યોગગુરુ બાબા રામદેવના બાળસખા અને પતંજલિના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણનું છે. રિચ લિસ્ટમાં અંબાણી અને હિન્દુજાની સાથે આચાર્ય બાલકૃષ્ણ અને ડીમાર્ટ કંપનીના રાધાકિશન દામાણીનું નામ પણ જોવા મળે છે. આ ઉપરાંત બોમ્બે ડાઈંગના નસ્લી વાડિયા સૌપ્રથમ વખત આ લિસ્ટમાં આવ્યા છે. તેઓ ૫.૬ બિલિયન ડોલરની સંપતિ સાથે ૨૫મા ક્રમે છે.
યાદીમાં પતંજલિના આચાર્ય
પતંજલિની આવક અને ખાસ કરીને આચાર્ય બાલકૃષ્ણની સંપત્તિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. પતંજલિના સીઇઓ આચાર્ય બાલકૃષ્ણ ગયા વર્ષે ૪૮મા ક્રમે હતા. આ વર્ષે ૧૯મા ક્રમે છે. નેટવર્થ ૪૩,૦૦૦ કરોડ રૂપિયા છે. યાદીમાં ૮૦ ટકા લોકો ગયા વર્ષના છે.
સંઘવીની આવક ઘટી
અંબાણીની આવકમાં તોતિંગ વધારો નોંધાયો છે તો દિલીપ સંઘવીની આવકમાં ૩૧ હજાર કરોડ રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. યાદી અનુસાર જે ૧૨ ધનિકોની નેટવર્થ ઘટી છે તેમનામાં અડધા ફાર્મા સેક્ટરના છે. આમાં સૌથી વધુ નુકસાન સન ફાર્માના દિલીપ સંઘવીને થયું છે. તેમની સંપત્તિ ૩૧,૨૦૦ કરોડ રૂપિયા ઘટી છે. તેઓ આ યાદીમાં બીજા સ્થાનેથી સીધા નવમા ક્રમે પહોંચી ગયા છે.
ટોપ-૧૦૦માં ૩ મહિલા
યાદીમાં ત્રણ મહિલાઓના નામનો પણ સમાવેશ થાય છે. જોકે તેમની નેટવર્થ એકલી નહીં, પરંતુ પરિવાર સાથે આંકવામાં આવી છે. યાદીમાં ઓ.પી. જિંદાલ ગ્રૂપના સાવિત્રી જિંદાલ ૪૮,૭૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ૧૬ ક્રમે છે, જ્યારે યુએસવી ઇંડિયાના લીના તિવારી ૧૪,૨૩૫ કરોડ રૂપિયા સાથે ૭૧મા ક્રમે છે. તો બાયોકોન ગ્રૂપના કિરણ મજુમદાર શો ૧૪,૦૦૦ કરોડ રૂપિયા સાથે ૭૨ ક્રમે છે.
ધનાઢયોમાં મુંબઈ મોખરે
લિસ્ટ મુજબ મુંબઇમાં સૌથી વધારે ૧૮૨ બિલિયોનેર્સ છે. બીજા ક્રમે ૧૧૭ બિલિયોનેર્સ સાથે દિલ્હી છે. આ યાદીમાં હવે ચેન્નઇ અને કાનપુરનો પણ સમાવેશ થયો છે. ડીએલએફના કુશલપાલ સિંહ રિઅલ એસ્ટેટ બિલિયોનેર્સમાં ૨૭,૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે મોખરે છે જ્યારે બીજા ક્રમે લોઢા ગ્રૂપના મંગલ પ્રભાત લોઢા ૧૫,૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ૨૬ નવા બિલિયોનેર્સમાં અમદાવાદમાંથી પાંચ અને વડોદરાના બે બિલિયોનેર્સનો સમાવેશ થાય છે.
‘ફોર્બ્સ’એ ધનાઢયોની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ શેરબજારને ગણાવ્યું છે. ભારતીય શેરબજારમાં તેજીના મોજાના પગલે ભારતના ૧૦૦ ટોચના ધનવાનોની કુલ અસ્કયામતો વધીને ૪૭૯ બિલિયન ડોલર થઈ છે. વર્ષ ૨૦૧૬માં તે અસ્કયામતો ૩૭૪ બિલિયન ડોલરની હતી.

