ઇસ્લામાબાદઃ એક બાજુ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે મંગળવારે સંસદમાં કુલભૂષણ જાધવના મુદ્દે પાકિસ્તાનને આકરું પરિણામ ભોગવવાની ચેતવણી આપી દીધી છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની મીડિયા પણ એ વાત સ્વીકારી રહ્યું છે કે જો જાધવને ફાંસી અપાશે તો તેના ગંભીર દુષ્પરિણામ પાકિસ્તાને ભોગવવા પડશે.
પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે કુલભૂષણ જાધવને ફાંસી અપાશે તો ભારત સાથેના પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધશે અને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ તેને લઈને અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે. કેટલાક પાકિસ્તાની પત્રકારોએ જાધવ વિરુદ્ધ ભેગા કરવામાં આવેલા પૂરાવાઓ સાર્વજનિક કરવાની માગણી પણ કરી છે.
અખબાર ‘ધ નેશન’એ પોતાના પહેલા પાના પર છાપેલા લેખમાં લખ્યું છે કે સોમવારે એક સૈન્ય અદાલતે બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે લાંબા સમયથી જારી તણાવને વધુ વધારતા હાઈ પ્રોફાઈલ ભારતીય જાસૂસને મોતની સજા સંભળાવી છે. અખબારે રાજનીતિક અને રક્ષા વિશેષજ્ઞ ડો. હસન અસ્કરીને ટાંકીને લખ્યું છે કે જાધવને ફાંસી આપવાનો ફેંસલો બંને દેશો વચ્ચે તણાવમાં વધુ વધારો કરશે. અસ્કરીએ કહ્યું કે સેનાએ કડક સજા કરી છે જે પાકિસ્તાની કાયદા મુજબ છે, પરંતુ આપણે એ જોવું પડશે કે પાકિસ્તાન તેના રાજકીય અને કૂટનીતિક દુષ્પ્રભાવોને ઝીલી શકે છે કે નહીં. અત્રે જણાવવાનું કે ‘ધ નેશન’ અખબાર ભારતના આકરા ટીકાકાર તરીકે જાણીતું છે.
અન્ય અખબારોએ પણ આ અહેવાલને વિગતવાર પ્રકાશિત કર્યો છે. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’એ આ ફેંસલાને અભૂતપૂર્વ ગણાવતા કહ્યું છે કે આ ફેંસલાથી પાડોશી દેશો વચ્ચે કડવો રાજનીતિક વિવાદ વધવાની આશંકા પ્રબળ બની છે.
પાકિસ્તાનના પ્રમુખ અખબાર ‘ડોન’એ કહ્યું કે આ ફેંસલો એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે પહેલેથી જ તણાવ જારી છે.
આ અગ્રણી અખબારે લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) તલત મસૂદના હવાલે લખ્યું છે કે ‘લાંબા સમયથી પાકિસ્તાન એ સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું કે પાકિસ્તાનની અસ્થિરતામાં ભારતનો હાથ છે. આ મામલે મદદ માંગવા માટે પાકિસ્તાનના રાજદૂત અનેક દેશ ગયા પરંતુ કશું હાથ લાગ્યું નહીં. હવે અમે જ્યારે પગલું ઉઠાવ્યું છે ત્યારે આપણે ભારતની જવાબી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.’
મસૂદે આગળ કહ્યું કે આપણે એ વાત માટે તૈયાર રહેવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય મંચો પર આ અંગે પ્રતિક્રિયાઓ આવશે અને એટલે સુધી કે પાકિસ્તાનને નિયંત્રણ રેખા પર ભંગમાં વધારાને લઈને પણ તૈયાર રહેવું જોઈએ. રાજનીતિક વિશેષજ્ઞ એરમાર્શલ (રિટાયર્ડ) શહજાદ ચૌધરીએ જણાવ્યું કે ‘મને નથી લાગતું કે આ ફેંસલાના પગલે ભારત સાથેના સંબંધોમાં બદલાવ આવશે.’
જિયો ન્યૂઝના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે કહ્યું કે સૌથી પહેલા તો પાકિસ્તાને જાસૂસ વિરુદ્ધ મળેલા પૂરાવાને સાર્વજનિક કરવા જોઈએ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેને શેર કરવા જોઈએ.
હામિદે કહ્યું કે ‘આખરે દરેક જણ અગાઉથી જ ભારતની પ્રતિક્રિયાની વાત કેમ કરે છે? મારું માનવું છે કે ભારતે સમજદારીથી કામ લેવું જોઈએ અને ખાસ કરીને અહેવાલો પર બિલકુલ પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં. જો લોકોને અજમલ કસાબની ફાંસી યાદ હોય તો પાકિસ્તાન આ મુદ્દે ચૂપ હતું. જો કસાબ વિરુદ્ધ પૂરાવા છે તો ભારતીય કાયદા મુજબ તેને સજા મળવી જોઈએ.’
હામિદ મીરે કહ્યું હતું કે આથી ભારતે પણ ખૂબ જ સમજદારીથી કામ લેવું જોઈએ. આ ખબરો પર પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં અને જાધવને કોઈ નાયક તરીકે રજુ ન કરવો જોઈએ. મીડિયાએ પણ આ જ વલણ અપનાવવું જોઈએ.

