ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે છ કરારઃ ભારતને યુરેનિયમનો વિપુલ જથ્થો મળશે

Wednesday 12th April 2017 06:22 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે ભારતને યુરેનિયમનો વિપુલ જથ્થો આપવા માટે સંમતિ દર્શાવી છે. યજમાન વડા પ્રધાન મોદી અને મહેમાન ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને દ્વિપક્ષીય સંવાદ કર્યા બાદ એક સંયુક્ત નિવેદન જારી કર્યું હતું. જેમાં બંને દેશો વચ્ચે આતંકવાદનો સામનો કરવા સહયોગ સાધવા સહિતના છ મહત્ત્વપૂર્ણ કરારો થયા હોવાનું જાહેર થયું હતું.
સંયુક્ત નિવેદનમાં બંને દેશોના નેતાઓએ કહ્યું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધો ખૂબ જૂના છે અને મજબૂત છે. ઓસ્ટ્રેલિયન વડા પ્રધાને કહ્યું કે ઓસ્ટ્રેલિયા ભારતને જરૂરી યુરેનિયમનો જથ્થો શક્ય એટલો ઝડપથી આપવાનું શરૂ કરશે. વડા પ્રધાન ટર્નબુલે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને ભારત તેમના નેતૃત્વમાં પ્રગતિ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે ઓસ્ટ્રેલિયામાં લગભગ પાંચ લાખ લોકો ભારતીય મૂળના છે અને ઓસ્ટ્રેલિયાના વિકાસમાં તેમનો સંગીન ફાળો છે.
ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને યુરેનિયમનો જથ્થો પૂરો પાડવા દર્શાવાયેલી સંમતિને ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં મળતા યુરેનિયમના કુલ જથ્થામાંથી ૪૦ ટકા હિસ્સો એકલા ઓસ્ટ્રેલિયા પાસે છે અને વર્ષે ૭ હજાર ટન કેકની નિકાસ કરે છે.
સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા નરેન્દ્ર મોદીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે આપણા નિર્ણયો ડીઆરએસ (ડિસિઝન રિવ્યુ સિસ્ટમ)ના દાયરામાં આવતા નથી એટલે ચિંતાનું કોઈ કારણ નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પૂરી થયેલી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરિઝમાં બંને દેશોના ખેલાડીઓ વચ્ચે ડીઆરએસ મુદ્દે તંગદિલી સર્જાઈ હતી. મોદીએ બન્ને દેશોના સંબંધોમાં ક્રિકેટની ભૂમિકા અગત્યની ગણાવી હતી અને લેજન્ડરી ક્રિકેટર ડોન બ્રેડમેન, સચિન તેંડુલકર ઉપરાંત વર્તમાન સુપરસ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથનો ઉલ્લેખ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ આતંકવાદનો નાશ કરવા તેમજ સાયબર સિક્યુરિટી ઉપર વિશેષ ભાર મૂકતા કહ્યું હતું કે બંને દેશો એ બાબતે પણ વ્યૂહરચના ઘડશે અને કોઈ નક્કર પરિણામ લઈ આવશે. મોદીએ બંને દેશોના મજબૂત સંબંધોથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા આવશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે છ કરારો થયા છે તેમાં સંરક્ષણ, ઊર્જા, પરમાણુ, દરિયાઈ સુરક્ષા જેવા વિવિધ મુદ્દે બંને દેશો વચ્ચે સહમતી થઈ હતી.
આર્થિક ઉપરાંત આતંકવાદ સામે લડત આપવાનો મુદ્દો બંને નેતાઓની બેઠકમાં મુખ્ય રહ્યો હતો. ઉપરાંત, બંને નેતાઓ વચ્ચેના સંવાદમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થતાં હુમલાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. જેમાં, વડા પ્રધાન ટર્નબુલે વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાયને યોગ્ય સલામતી પૂરી પાડવાની ખાતરી આપી હતી.
નીલકંઠવર્ણીનો અભિષેક વિશ્વશાંતિની પ્રાર્થના
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ટર્નબુલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નીલકંઠવર્ણી અભિષેક મંડપમાં પધારીને નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયા દેશની ઉન્નતિ અને વિકાસની સાથે સાથે વિશ્વશાંતિની પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બંને મહાનુભાવો નૌકાવિહાર પ્રદર્શન ખંડમાં પધાર્યા હતા. જ્યાં ૧૦,૦૦૦ વર્ષના ભારતના અમૂલ્ય વારસા અને પ્રાચીન સંસ્કૃતિનું દર્શન કરાવતા નૌકાવિહાર પ્રદર્શન ખંડને માણ્યો હતો. સાથે જ અક્ષરધામ મહામંદિરની ફરતે ભારતીય સનાતન મૂલ્યો અને વિશિષ્ટ પ્રેરણા આપતી ગજેન્દ્ર પીઠિકા નિહાળી હતી.


comments powered by Disqus