નવી દિલ્હીઃ ભારતીય પરંપરાની ધરોહર એવા સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન તથા નીલકંઠવર્ણી ઉપર અભિષેક કરીને લગભગ એક કલાક જેટલો સમય ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન ટર્નબુલ અને વડા પ્રધાન મોદીએ ગાળ્યો હતો. આ મુલાકાત દરમિયાન વડા પ્રધાન ટર્નબુલે વડા પ્રધાન મોદીને કહ્યું હતું કે અક્ષરધામની અદ્ભુત મુલાકાત માટે આપનો અને સ્વામી બ્રહ્મવિહારીદાસજીનો આભાર માનવા માટે મારી પાસે શબ્દ નથી. આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ તેમને પ્રત્યુત્તર પાઠવતાં કહ્યું કે શબ્દ ખૂટી જાય એ જ ભારત છે.
આ પહેલાં ટર્નબુલ જ્યારે અક્ષરધામ, દિલ્હી ખાતે પરિસરમાં પધાર્યા હતા ત્યારે સાધુ બ્રહ્મવિહારીદાસજીએ તેઓને આદર સહિત સત્કારતાં કહ્યું હતું કે ‘આપ ખરા અર્થમાં ભગવાનરૂપ થઇને અહીં આવ્યા છો, કેમ કે ભારતમાં પરંપરા છે કે ‘અતિથિ દેવો ભવ’ માટે જ અમે આપને અતિથિ દેવ તરીકે અહીં આવકારીએ છીએ અને વડા પ્રધાન મોદી સાચા અર્થમાં આપના મિત્ર છે કેમ કે, તેઓ સ્વયં જે સ્થાનને ચાહતા હોય ત્યાં જ તેઓ અંગત મિત્રને લઇને આવતા હોય છે.’
આ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અક્ષરધામ-દિલ્હીની ઓળખ આપીને કહ્યું હતું કે આ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે અને પછી સ્વામીજીની ઓળખાણ કરાવતાં કહ્યું હતું કે ‘હું જેમને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ કહેતો હતો એવા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આ શિષ્ય, છે, સાધુ બ્રહ્મવિહારીદાસ.’
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન માલ્કમ ટર્નબુલે અભિપ્રાય પોથીમાં પોતાનો અભિપ્રાય પણ લખ્યો હતો કે ‘This has been a very special insight into India’s history, but above all its future. Thank you so much PM Modi.’
અક્ષરધામ પરિસરમાં મયુરદ્વાર પાસે આ સંકુલના નિર્માતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી સંતોએ તેમને પુષ્પહાર પહેરાવી સત્કાર્યા હતા.

