બોસ નટુ ૬૦ વર્ષના થયા એટલે તેમણે કંપનીમાંથી નિવૃત્ત થવું પડ્યું. નોકરીના છેલ્લા દિવસે તેમણે પોતાના માટે વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. બોસ નટુ ઇચ્છતા હતા કે દરેક કર્મચારી તેમના વિશે જે સારું વિચરતો હોય તે એક કાર્ડમાંલખે. જેથી તેમને યાદ રહે કે તે કર્મચારીને તેમની કેટલી ખોટ સાલે છે.
મોટા ભાગના કર્મચારીઓએ લખ્યું ‘તમારા વિના કંપની પહેલાં જેવી નહીં રહે.’ અથવા ‘અમે તમને હંમેશાં યાદ કરીશું.’
આવા ચીલાચાલુ વાક્યોથી બોસ નટુને સંતોષ થયો નહીં એટલે તેમણે કહ્યું, ‘તમારા દિલમાં ખરેખર જે હોય તેવું કંઈક હૃદયસ્પર્શી હું વાંચવા માગું છું. ગટુ, તું તો છેલ્લા ૨૦ વર્ષથી મારી સાથે કામ કરે છે. તું મારો શ્રેષ્ઠ કર્મચારી છે. હું હવે નિવૃત્ત થઈ રહ્યો છું એ વિશે તારું શું કહેવું છે?’
ગટુએ કાર્ડમાં લખ્યુંઃ ‘વીસ વર્ષના શ્રેષ્ઠ સમાચાર.’
•
રસ્તામાં એક કારે અકસ્માત કરતા લોકોની મોટી ભીડ ભેગી થઈ ગઈ. એક અખબારનો પત્રકાર નટુ આ બનાવનું રિપોર્ટિંગ કરવા આતુર હતો, પરંતુ ભીડને કારણે તે કારની પાસે જઈ શકતો ન હતો. હોંશિયાર નટુએ જોરથી બૂમ પાડી, ‘આઘા ખસો, મને જવા દો જેને અકસ્માત થયો છે તેમનો હું પુત્ર છું.’
ભીડે નટુને જવા માટે રસ્તો કરી આપ્યો. કારની સામે ગધેડો પડ્યો હતો.
•
લાંબા સમયથી બીમાર રાજકારણી નટુ ડોક્ટર ગટુ પાસે ગયા અને કહ્યું ‘ડોક્ટર સાહેબ, તમે જરા મારી ભાષામાં સમજાવો કે મન શું થયું છે?’
ડો. ગટુઃ આંતરડાઓના આંતરિક રાજકારણથી તમારું પેટ અસંતુષ્ટ છે. દમને કારણે ફેફસાં જૂઠું આશ્વાસન આપી રહ્યા છે. ટાઇફોઇડ વિશ્વાસપાત્ર રહ્યો નથી અને ચેતવણી આપે છે કે તે ગમેત્યારે હુમલો કરશે. જ્યારે હૃદય ટૂંક સમયમાં રાજીનામું આપવાનું છે.’
•
કેપ્ટન નટુ (નાવિક ગટુને)ઃ તારા પિતાનું મૃત્યુ ક્યાં થયું હતું?
નાવિક ગટુઃ તે દરિયામાં ડૂબી ગયા હતા.
નટુઃ અને તારા દાદા?
ગટુઃ એમનું મોત પણ દરિયામાં જ થયું હતું.
નટુઃ તને દરિયાનો ડર લાગતો નથી?
ગટુઃ સર, તમારા પિતા ક્યાં મરી ગયા હતા?
નટુઃ પથારીમાં.
ગટુઃ અને તમારા દાદા?
નટુઃ એમણે પણ પથારીમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા.
ગટુઃ તમારા પિતા અને દાદાનું પથારીમાં અવસાન થયું હતું તો તમને રોજ પથારીમાં સૂવાનો ડર લાગતો નથી?
•
વકીલ નટુઃ ગીતા પર હાથ રાખીને કહો કે જે કહેશો તે સાચું જ કહેશો, સત્ય સિવાય કશું જ નહીં કહો.
આરોપી ગટુઃ વકીલ સાહેબ, નીતા પર હાથ મૂક્યો તો કોર્ટનું તેડું આવી ગયું. હવે તમે ગીતા પર હાથ મૂકવાનું કહો છો. ના ભઈ, હું ગીતા પર હાથ મૂકીને વધારે મુશ્કેલીમાં મુકાવા માગતો નથી.
•
નટુ તેના મિત્રોમાં ઓછાબોલા તરીકે જાણીતો હતો. તે કોઈ પણ વાત ટૂંકમાં, મુદ્દાસર કહેતો. એક દિવસ સેલ્સમેન ગટુ તેના ઘરે આવ્યો. ગટુએ પૂછ્યું, ‘તમારી પત્ની ઘરમાં છે?’
નટુએ જવાબ આપ્યો, ‘નથી’
ગટુએ પૂછ્યું ઃ ‘હું તેમની થોડી રાહ જોઈ શકું છું?’
નટુએ તેને ડ્રોઇંગરૂમમાં બેસવા ઇશારો કર્યો અને તે પોતાના કામમાં લાગી ગયો. ત્રણ કલાક પછી પણ નટુની પત્ની ન આવતા ગટુએ નટુને બૂમ પાડીને બોલ્યો અને પૂછ્યું, ‘તમારી પત્ની ક્યાં ગઈ છે?’
નટુએ જવાબ આપ્યો, ‘સ્મશાનમાં.’
ગટુએ પૂછ્યું, ‘એ ક્યારે પાછા આવશે?’
નટુ બોલ્યો, ‘મને ખબર નથી. અગિયાર વર્ષથી ત્યાં જ છે.’
