લંડનઃ બ્રિટનના સૌપ્રથમ પ્રેગ્નન્ટ પુરુષે એક બાળકીને જન્મ આપ્યો છે. ૨૧ વર્ષના હેડન ક્રોસનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે તેણે પોતે પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી હતી. સ્પર્મ ડોનેટ કરનારા એક વ્યક્તિની મદદથી તે ક્રોસ પ્રેગ્નન્ટ થયો હતો. ગર્ભાધાન થયું તેનાં ત્રણ વર્ષ પહેલાં લિંગપરિવર્તન કરાવીને તે વ્યંડળ મટીને પુરુષ બન્યો હતો. ક્રોસે પોતે પ્રેગ્નન્ટ હોવાની સૌપ્રથમ જાહેરાત કરી ત્યારે કેટલાક લોકોએ તેને મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
હેડને પોતાની પુત્રીને ટ્રિનિટી નામ આપ્યું છે. ઓપરેશનની મદદથી હેડને ૧૬ જૂનના રોજ ગ્લુસેસ્ટશાયર હોસ્પિટલમાં સિઝેરિયનથી આ બાળકીને જન્મ આપ્યો હતો. હેડનના કુટુંબીજનોએ પણ તે વાતને સમર્થન આપ્યું છે. બાળકીને જન્મ આપનારા હેડન બ્રિટનના પ્રથમ વ્યંડળ પુરુષ બન્યો છે. હેડને કહ્યું હતું કે તેની પુત્રી તદ્દન તંદુરસ્ત છે. બાળકીને જન્મ આપ્યા પછી હેડન હવે પોતાનાં સ્તન અને અંડાશયને દૂર કરવા વિચારી રહ્યા છે. પ્રેગ્નન્ટ થતાં લિંગપરિવર્તનની આ શસ્ત્રક્રિયા બાકી રહી ગઈ હતી.
હોર્મોન ટ્રીટમેન્ટની મદદથી હેડને પુરુષરૂપ ધારણ કર્યું છે અને બ્રિટનમાં ત્રણ વર્ષથી તે પુરુષ તરીકે કાયદેસર રહેતો હતો.
ફેસબુક પર વીર્યદાન કરનારા સાથે સંપર્ક થતાં સુપર માર્કેટમાં કામ કરતા પૂર્વ કામદારે બાળકીને જન્મ આપ્યો છે. અમેરિકામાં વર્ષ ૨૦૦૮માં થોમસ બેટ્ટી નામના પુરુષે બાળકને સૌપ્રથમ જન્મ આપ્યો હતો.

