અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતાં ઓછું મતદાન રહ્યા પછી ભાજપ અને કોંગ્રેસ દ્વારા બીજા તબક્કામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે એડીચોટીનું જોર લગાવાયું છે. ગુરુવારે - ૧૪ ડિસેમ્બરે મતદાનના બીજા અને અંતિમ તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાન થશે. આ બેઠકો પર કુલ ૮૫૧ ઉમેદવારો મેદાનમાં છે. ૨.૨૨ કરોડ મતદારો માટે ૨૫,૫૭૫ મતદાન મથકો ઉભા કરાયા છે. આ બેઠકો પર મંગળવારે સાંજે પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે.
જે વિધાનસભા બેઠકો પર ૧૬થી વધુ ઉમેદવારો મેદાનમાં છે ત્યાં બે ઈવીએમ મૂકાશે. આવી બેઠકોમાં મહેસાણામાં ૩૪ ઉમેદવારો, વટવામાં ૧૬, વિરમગામમાં ૨૨, રાધનપુરમાં ૧૭, બાપુનગરમાં ૧૬, ધંધુકામાં ૧૬, ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ઉમેદવારો મહેસાણામાં ૩૪ અને સૌથી ઓછા ઉમેદવાર ઝાલોદમાં બે છે. કુલ મળીને ૨૫,૫૭૫ પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. કુલ મતદારો ૨,૨૨,૯૬,૮૬૭ નોંધાયા છે. બીજા તબક્કા માટે કુલ ૧.૭૪ લાખ પોલીસ જવાનો, સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સાથે કુલ ૨.૪૧ લાખ કર્મચારીઓ ફરજ બજાવશે. ચૂંટણી પંચ તરફથી બીજા તબક્કાના મતદાન માટેની તમામ તૈયારી પૂરી કરી લેવામાં આવી હોવાનું એક નિવેદનમાં જણાવાયું હતું.
રાજયમાં સૌ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સીધી હાજરી વગર યોજાઈ રહી હોવાથી વડા પ્રધાન દ્વારા રાજયમાં સતત ચોથી વખત તેમના પક્ષની સરકાર રચાય એ માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરાયો છે.
તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ આ વેળા કમર કસી છે. પક્ષને ૨૨ વર્ષ બાદ સત્તા મળવાના ઉજળા સંજોગો દેખાતા રાહુલ ગાંધી સહિતની નેતાગીરી દ્વારા પણ પ્રચારમાં કોઇ કસર છોડવામાં આવી નથી. ભાજપ અને કોંગ્રેસ દ્વારા તેમના રાષ્ટ્રીય નેતાઓને આ ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા હતા.
મધ્ય ગુજરાત ભાજપ-કોંગ્રેસના પગે પાણી ઉતારશે
મધ્ય ગુજરાતની ૨૬ બેઠકો કબજે કરવા ભાજપ અને કોંગ્રેસે રીતસરનો પરસેવો પાડવો પડશે. મની, મસલ અને સત્તાના મદને કારણે આ બેઠકોના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
આંતરિક અસંતોષ, બળવાની બૂમ ઉપરાંત જ્ઞાતિનું ફેક્ટર આ વખતની ચૂંટણીમાં અસર કરશે. જેથી ઉમેદવારો તો ઠીક પ્રદેશ કક્ષાના નેતાઓના કપાળે પણ ચિંતાની કરચલીઓ જોવા મળી રહી છે.
મધ્ય ગુજરાતની ૨૬ બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાશે. તમામ બેઠકો પર વર્તમાન સ્થિતિ અને મતદારોને સ્પર્શતા સમાજના પ્રશ્નો અસર કરશે. છોટાઉદેપુર બેઠક પર સ્થાનિક મુદ્દાઓ, ભ્રષ્ટાચાર સહિત આદિવાસી જ્ઞાતિના ઉદ્ધારની ચર્ચાઓ ચૂંટણી મુદ્દો બની છે. પાવી જેતપુર બેઠક પર જ્ઞાતિવાદ તો ખરો સાથે પ્રાંતવાદ પણ ભડક્યો છે. સંખેડા બેઠક પર ભાજપના તડવી જ્ઞાતિના ઉમેદવાર સામે કોંગ્રેસના ભીલ ઉમેદવાર છે. દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક અનામત છે. ૭૫ ટકા આદિવાસી વસતી હોઇ બંને પક્ષોએ ભીલ જાતિમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે.
દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક અનામત છે. ૭૫ ટકા આદિવાસી વસતી હોઇ બંને પક્ષોએ ભીલ જાતિમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો જળવાશે?
વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૩૨ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો હતો જેમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. ભાજપે ૧૫ અને કોંગ્રેસે ૧૭ બેઠક હાંસલ કરી હતી. જોકે સૌથી નોંધનીય બાબત એ છે કે આ વિસ્તારની ૬ અનામત બેઠકમાંથી કોંગ્રેસે પાંચ બેઠક કબજે કરી હતી.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પણ બેઠકો તો એ જ છે પરંતુ જિલ્લા વિભાજનના કારણે અરવલ્લીનું નામ ઉમેરાયું છે.
ભાજપ તરફથી ચૂંટણી લડીને જીત્યા હોય તેવા અગ્રણી ઉમેદવારોમાં શંકર ચૌધરી (વાવ), લીલાધર વાઘેલા (ડીસા), દિલીપ ઠાકોર (ચાણસ્મા), રજનીકાંત પટેલ (બેચરાજી), રણછોડ દેસાઈ (પાટણ), નીતિન પટેલ (મહેસાણા), રમણલાલ વોરા (ઇડર જીભ) વગેરેનો સમાવેશ થતો હતો.
લીલાધર વાઘેલાની ૨૦૧૪ની લોકસભા બેઠક માટે પસંદગી થઈ હતી અને ચૂંટાઈને હાલ સાંસદ બનેલા છે. નીતિન પટેલ હાલ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન છે. દિલીપ ઠાકોર પ્રધાન છે, રમણલાલ વોરા પહેલા પ્રધાન અને હવે ગુજરાત વિધાનસભાના સ્પીકર છે. શંભુજી ઠાકોર હાલ ડેપ્યુટી સ્પીકર છે તો રણછોડ દેસાઈ સંસદીય સચિવ છે. બેચરાજીમાં જીતેલા રજનીકાંત પટેલ મોદી સરકારમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા, પછી રૂખસદ અપાયેલી છે.
શંકર ચૌધરી હાલ પ્રધાન છે. કેશાજી ચૌહાણ (દિયોદર) રાજ્ય કક્ષાના પ્રધાન છે. કોંગ્રેસના અગ્રણી ઉમેદવારો ડો. અનિલ જોષીઆરા, બળવંતસિંહ રાજપૂત નોંધપાત્ર હતા.
બીજા તબક્કામાં કુલ ૧૯૯ ઉમેદવારો કરોડપતિ
બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં ૮૫૧ ઉમેદવારો વચ્ચે જંગ છે. આ ઉમેદવારો પૈકી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા ૮૨૨ ઉમેદવારની એફિડેવિટની ચકાસણી કરાઇ હતી. જેમાં ૧૯૯ ઉમેદવારો એટલે કે ૨૪ ટકા ઉમેદવારો કરોડપતિ હોવાનું બહાર આવ્યું હતું. કરોડપતિ ઉમેદવારોમાં ભાજપનાં ૬૬ અને કોંગ્રેસનાં ૬૭ છે. જેમાં સૌથી વધુ સંપત્તિ દસક્રોઈના કોંગ્રેસના પંકજ પટેલ પાસે રૂ. ૨૩૧ કરોડની હોવાનું દર્શાવ્યું છે. જ્યારે બીજા ક્રમે કોંગ્રેસના ચાણસ્માના ઉમેદવાર રઘુભાઈ દેસાઈ પાસે રૂ. ૧૦૮ કરોડની સંપત્તિ છે.
એડીઆરના અનિલ વર્મા અને પંક્તિ જોગે જણાવ્યું હતું કે, ઉમેદવારો પૈકી ૬૬ ઉમેદવારો પાસે રૂ. ૫ કરોડથી વધુની સંપત્તિ છે એટલે કે ૮ ટકા ઉમેદવારો પાસે રૂ. ૫ કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે ૧૦ લાખ રૂપિયાથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારોની સંખ્યા ૩૨૬ જેટલી છે. આમ, બીજા તબક્કાના કુલ ઉમેદવારોમાં ૧૯૯ ઉમેદવારો કરોડપતિ છે.
૬૪ ઉમેદવારો સામે ગંભીર ગુના બદલ કેસ
૯૩ બેઠકો પર ચૂંટણી લડતા ઉમેદવારો પૈકી ૧૦૧ ઉમેદવારો બાહુબલી નેતા હોવાનું બહાર આવ્યું છે. આ ઉમેદવારોએ રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલી એફિડેવિટ પ્રમાણે તેમની સામે ફોજદારી કેસ દાખલ થયો હોવાનું કબૂલ્યું છે. જે પૈકી ૬૪ ઉમેદવારો એવા છે કે જેમની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. આમ, કુલ ઉમેદવારો પૈકી ૧૨ ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ અને ૮ ટકા ઉમેદવારો સામે ગંભીર ગુના દાખલ હોવાનું બહાર આવ્યું છે. જેમાં ઝાલોદ બેઠક પર ભાજપના મહેશ ભુરિયા અને કોંગ્રેસના ભાવેશ કટારા સામે સામે ખૂનના ગુના નોંધાયેલો હોવાનું દર્શાવ્યું છે.

