૧૯૮૦માં સૌથી ઓછું ૪૮ ટકા, ૨૦૧૨માં સૌથી વધુ ૭૨ ટકા

Thursday 14th December 2017 05:39 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે ત્યારે ચૂંટણી પંચ અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે.
જોકે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ ૧૨ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. જેમાં સૌથી વધુ કુલ ૭૨.૦૨ ટકા મતદાન ૨૦૧૨ની ચૂંટણીમાં થયું હતું. જે અત્યાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ છે. જ્યારે ૧૯૮૦ની ચૂંટણીમાં સૌથી ઓછું માત્ર ૪૮.૩૭ ટકા મતદાન થયું હતું.
જોકે ૧૯૮૦ની વિધાનસભા ચૂંટણીનો ઇતિહાસ પણ જુદા પ્રકારનો છે. ૧૯૮૦ની વિધાનસભાની ચૂંટણી પહેલાં સાડા ત્રણ મહિનાથી વધુ સમય ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યાર બાદ માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરી હેઠળ લડાયેલ ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું અને માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા હતા.
ચૂંટણીમાં મોટાભાગે જેમ જેમ ઉપરના લેવલના જઈએ તેમ તેમ મતદાનની ટકાવારી ઘટતી હોય છે. મતલબ કે, લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભામાં મતદાન વધુ થતું હોય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી કરતા જિલ્લા પંચાયત તથા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વધુ મતદાન થતું હોય છે. મતદાન જાગૃતિ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે.
ગુજરાતમાં પ્રથમ વાર યોજાયેલી ૧૯૬૨ની ચૂંટણીમાં ૫૭.૯૭ ટકા મતદાન થયું હતું. અન્ય ચૂંટણીમાં જોઈએ તો ૧૯૬૭માં ૬૩.૭૦ ટકા, ૧૯૭૨માં ૫૮.૧૧ ટકા, ૧૯૭૫માં ૬૦.૩૭ ટકા, ૧૯૮૦માં ૪૮.૩૭ ટકા, ૧૯૮૫માં ૪૮.૮૨ ટકા, ૧૯૯૦માં ૫૨.૨૩ ટકા, ૧૯૯૫માં ૬૪.૩૯ ટકા, ૨૦૦૨માં ૬૧.૫૫ ટકા, ૨૦૦૭માં ૫૯.૭૭ ટકા, ૨૦૧૨માં ૭૨.૦૨ ટકા મતદાન થયું હતું.


comments powered by Disqus