નડિયાદઃ વેસ્ટ ઈન્ડિઝમાં આવેલા ઇરમા હરિકેન વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ સેંટ માર્ટિન ટાપુ પર નડિયાદના ૨૫ સહિત ગુજરાતના ૨૦૦થી વધુ લોકો અટવાયા છે. નડિયાદના પરિવારને તમામ મદદની બાંહેધરી આપનારા સ્થાનિક તંત્ર દ્વારા પણ હાથ ઊંચા કરી દેવાયા છે. એક તરફ અમેરિકાએ આ ટાપુ પર પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે બીજી તરફ ભારતનું વિદેશ મંત્રાલય કોઈ જ નક્કર જાણકારી આપી શક્યું નથી.
નડિયાદના જવાહરનગરમાં રહેતા જગવાણી પરિવારના ૨૫ જેટલા સભ્યો છેલ્લા અનેક વર્ષોથી સેંટ માર્ટિનમાં રહે છે. કાપડનો વ્યવસાય કરતાં ૩ ભાઈઓ, ૩ બહેનો તથા અન્ય કુટુંબીજનો મળી કુલ ૨૫ સભ્યો પરિવારમાં છે.
તાજેતરમાં તેઓએ નડિયાદમાં રહેતા પોતાના બહેન જ્યોતિબહેનનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, વાવાઝોડું આવવાના કારણે અઠવાડિયા સુધી વાતચીત નહીં થાય. એ પછી વાવઝોડું આવ્યું ત્યારે વીડિયો પણ મોકલ્યા હતા. જોકે હરિકેન વાવાઝોડું ત્રાટક્યા બાદ પરિવારજનો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. નડિયાદના પરિવારે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો સંપર્ક સાધી તેમના થકી મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનને પણ સ્થિતીથી વાકેફ કર્યાં હતાં. જોકે જિલ્લા તંત્ર તરફથી કોઈ મદદની નહીં થાય તેવું જણાવી દીધું હતું. જોકે કેટલાક ઓળખીતાઓ પાસેથી એવી જાણકારી મળી છે કે નડિયાદના અને અન્ય
૪૦ જેટલા લોકો એક જ ઓરડામાં પોતાનો જીવ બચાવીને છુપાઈ રહ્યા છે.
હરિકેન વાવાઝોડા પછી સ્થાનિકો દ્વારા લૂંટ ચાલે છે અને ભારતીયોને નિશાન બનાવી તેમને મારી નાંખવાની ધાકધમકીઓ અપાય છે. એવા સમાચાર છે ત્યારે નડિયાદમાં રહેતા જ્યોતિબહેન જગવાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદના પણ ઘણા લોકો ત્યાં હોઈ અંદાજે ગુજરાતના ૨૦૦ લોકો ત્યાં અટવાયા હોવાની શક્યતા છે. ત્યાંના સ્થાનિકો દ્વારા ભારતીયોને ઘરની બહાર પણ નીકળવા ન દેવાતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

