મુંબઈઃ ૧૯૯૩માં મુંબઈમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ માટે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાનાં માર્ગદર્શન હેઠળ ૧૫૦થી વધુ ટીમ રચવામાં આવી હતી.
૧૯૯૪માં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ૨૨ વર્ષ સુધી ચાલેલી સુનાવણીમાં ૬૦૦ લોકોની સાક્ષી લેવાઇ હતી અને ૧૦૦ જણને દોષી ઠરાવાયા હતા. એ પૈકી ૯૯ લોકોને સજા ફરમાવાઇ ચૂકી છે. પાંચ દોષિતને સાત સપ્ટેમ્બરે સજા ફરમાવાઇ હતી.
મુંબઇ પોલીસે આ કેસમાં ૪ નવેમ્બર ૧૯૯૪ના રોજ ૧૦ હજાર પાનાંની ચાર્જશીટ રજૂ કરી હતી. ૬૦૦ લોકોની જુબાની પછી ૨૦૦૬માં અદાલતે મુખ્ય આરોપી ટાઇગર મેમણના ભાઇ યાકુબ મેમણ અને અભિનેતા સંજય દત્ત સહિત ૧૦૦ લોકોને દોષિત ઠરાવ્યા હતા અને ૨૩ જણને નિર્દોષ છોડી મૂક્યા હતા. યાકુબ મેમણને વર્ષ ૨૦૧૫માં ફાંસીના માંચડે લટકાવાયો હતો. સંજય દત્ત જેલની સજા ભોગવી ચૂક્યો છે.
ચાર વર્ષ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં રાકેશ મારિયાએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી લદાયેલા સ્કૂટર અને મારૂતિ વાનથી મળેલી પ્રથમ ક્લુના આધારે કરાયેલી તપાસમાં વાન રૂબીના મેમણનાં નામે માહિમના સરનામે રજિસ્ટર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ૮ માળની બિલ્ડિગમાં રજિસ્ટર્ડ સરનામે પહોંચી ત્યારે દરવાજે તાળું લટકતું જોવા મળ્યું હતું. મેમણ પરિવાર બ્લાસ્ટના બે દિવસ પહેલાં જ વિદેશ ભાગી ગયો હતો.
દાઉદ સહિત ૩૫ હજુ વોન્ટેડ
મુંબઇ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપીઓ સહિત કુલ ૩૫ આરોપીઓ હજુ ફરાર છે. બોમ્બ બ્લાસ્ટ પાછળનું મુખ્ય ભેજું ગણાતો દાઉદ ઇબ્રાહીમ કાસકર ૧૯૮૪થી દેશમાંથી ફરાર છે. ટાઇગર દુબઇ અને પાકિસ્તાન વચ્ચે નાસતો ફરે છે.
વિશ્વના સૌથી મોટા ત્રણ હવાલા ઓપરેટરમાં એક ગણાતો મોહમ્મદ ઉમર અહેમદ ડોસા આજે પણ ફરાર છે. જાવેદ દાઉદ ટેલર ઉર્ફે જાવેદ ચિકનાને વિસ્ફોટકો વાહનોમાં ભરાય અને નિશ્ચિત સ્થળે બોમ્બ મુકાય તેનાં નિરીક્ષણની જવાબદારી સોંપાઇ હતી. બ્લાસ્ટ બાદ તે દુબઈ ભાગી ગયો હતો, હાલમાં તે પાકિસ્તાનમાં હોવાનું મનાય છે.
ટાઇગરના એજન્ટ તરીકે કામ કરનાર દાઉદ ફણસેએ આરડીએક્સને બોટમાંથી ઉતારીને મુંબઇ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું, તે પણ હાલમાં ફરાર છે. ટાઇગરના સ્મગલિંગ ઓપરેશનમાં મદદ કરનાર શરીફ અબ્દુલ ગફુર પારકર અને તેના પુત્ર મુજીબને પણ પોલીસ શોધી રહી છે.

