લંડનઃ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સહયોગથી યુ.કે. ખાતે હાઇકમિશન ઓફ ઇન્ડિયાનાં કલ્ચરલ સેન્ટર નહેરુ સેન્ટર, લંડનમાં તા. ૧૧-૦૯-૨૦૧૭ના રોજ સેલ્ફી કાર્ટુનિસ્ટ અશોક અદેપાલના કાર્ટુન સેલ્ફી પ્રદર્શનનું ઉદ્ઘાટન નહેરુ સેન્ટરના ડેપ્યૂટી ડાયરેક્ટર વિભા મેહદીરત્તાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે 'ગુજરાત સમાચાર' અને 'એશિયન વોઈસ'ના પ્રકાશક/તંત્રી સી. બી. પટેલ સહિત લંડનના અગ્રણી ભારતીયો હાજર રહ્યાં હતા.
પ્રાસંગિક પ્રવચનમાં શ્રીમતી વિભા મેહદીરત્તાએ જણાવ્યું હતું,' અશોક અદેપાલ ભારતથી એક અદ્ભૂત કાર્ટુન પ્રદર્શન લઇને આવ્યાં છે, જે જોઇને ખૂબ જ આનંદ અને ગર્વ થઇ રહ્યો છે. અમને જ્યારે તેમની અરજી મળી ત્યારે જ લાગ્યું કે આ કાર્ટુન સેલ્ફી પ્રદર્શન તો અહીં આવવું જ જોઇએ. તેમણે અદેપાલને શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આવા તદ્દન અનોખાં પ્રકારના કાર્ટુન પ્રદર્શનનું આયોજન તેમણે આજ સુધી કર્યું નથી.
સી.બી. પટેલે જણાવ્યું હતું કે, અશોક અદેપાલે કચ્છ જેવા રણકાંઠાના જિલ્લાથી લંડન સુધીની સફર ખેડી અને એ પણ રાજકીય કાર્ટુન ક્ષેત્રે, એ એક અનોખી સિદ્ધિ છે.
અંતમાં અદેપાલે જણાવ્યું હતું કે લંડનમાં એક ભારતીય તરીકે કાર્ટુનનું પ્રદર્શન લઇને આવવું એ એક સપનું સાકાર થવા સમાન છે. તેના માટે પરિવારજનો અને અનેક મિત્રો તરફથી મળેલો સહયોગ પણ યશનો હકદાર છે. તેમણે ઉમેર્યું હતું, 'કાર્ટુન સેલ્ફી એ એક અનોખો પ્રયોગ છે. તેની શરૂઆત પાછળનું સૌથી મોટું કારણ એ હતું કે મને લાગે છે કે દુનિયાભરમાં સહિષ્ણુતા ઘટી રહી છે એવા સમયે પણ વ્યંગ તો કરવો જ રહ્યો...તો શું કરવું? તેથી મેં વિચાર્યું કે પોતાની જાતને જ કાર્ટુનનું કેરેક્ટર બનાવીને આપણે જે કહેવું હોય તે કહી દેવું તેનાથી આ પરિસ્થિતિમાં પણ વ્યંગ દ્વારા સંદેશો આપી શકાશે.'
જૂન-૨૦૧૭માં પ્રથમ વખત હઠીસિંહ આર્ટ સેન્ટર, અમદાવાદ ખાતે કાર્ટુન સેલ્ફી પ્રદર્શન યોજ્યા બાદ ચાર મહિનામાં વડોદરા અને અમદાવાદ પછી લંડનમાં આ ચોથું પ્રદર્શન યોજાઇ રહ્યું છે.
આ પ્રદર્શનનો લાભ તા. ૧૫ સપ્ટેમ્બર સુધી સવારે ૧૦ થી ૬ દરમિયાન લઈ શકાશે.

