લંડનઃ દુનિયાભરમાં પેપરલેસ એક્ઝામ હવે નવી નવાઈની વાત નથી. ભારતમાં પણ વિવિધ અભ્યાસક્રમોની એન્ટ્રન્સ એક્ઝામથી લઈને સરકારી નોકરીઓની પરીક્ષાઓ હવે કમ્પ્યુટર પર લેવાઈ રહી હોય, પણ કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પેપરલેસ પરીક્ષાનો પ્રસ્તાવ બ્રિટનભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
યુનિવર્સિટી સત્તાધિશોનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હેન્ડ રાઈટિંગ એટલા બધા ખરાબ છે કે પરીક્ષકો તેને વાંચી પણ નથી શકતા એટલા માટે યુનિવર્સિટીએ હવે આગામી સત્રથી લેપટોપ, આઈપેડથી પરીક્ષા લેવાની યોજનાના અમલ અંગે વિચારવું જોઈએ.
કેમ્બ્રિજ યુનિવર્સિટી ૮૦૦ વર્ષ જૂની છે. તેના ઈતિહાસ પર ગર્વ કરનારા અનેક લોકોએ આ પ્રસ્તાવ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેઓ પૂછી રહ્યા છે કે તો શું કેમ્બ્રિજમાં લેખિત પરીક્ષા હવે ભૂતકાળ થઇ જશે? આવા જ એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે પ્લીઝ, કેમ્બ્રિજ આવું ન કરશો. તેનાથી વધુ સારું તો એ છે કે વિદ્યાર્થીઓ પર દબાણ કરો કે તેમના હેન્ડ રાઈટિંગ સુધારે.
બીજા યુઝરે કટાક્ષમાં એવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો કે આને કહેવાય ક્રાંતિ... હવે આપણે મશીન બનતા જઈ રહ્યા છીએ. જોકે એક બીજા યુઝરે લખ્યું હતું કે જેમને લખતાં નથી આવડતું તેમને નાપાસ કેમ ન કરી દેવા જોઈએ?
જોકે આ જગવિખ્યાત યુનિવર્સિટીના ઈતિહાસના પ્રોફેસર સરાહ પિયરસલ આવા પ્રતિભાવો સાથે સહમત નથી. તેઓ કહે છે કે ૧૫-૨૦ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ ઘણું લખતા હતા. સ્કૂલથી માંડી ઘર સુધી તેમના અનેક કલાકો લખવામાં વીતી જતા હતા પણ હવે પરીક્ષાને બાકાત રાખીએ તો વિદ્યાર્થીઓ ભાગ્યે જ કંઇ લખે છે. શિક્ષક હોવાના કારણે અમે ખરાબ હેન્ડ રાઈટિંગના મુદ્દે ચિંતિત છીએ.
તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને સાવચેત કરવા છતાં તેમના હેન્ડ રાઈટિંગ સતત બગડી રહ્યા છે તે નજરઅંદાજ ન થઇ શકે તેવી હકીકત છે.
હવે તો ખરાબ અક્ષરો વિદ્યાર્થી અને પરીક્ષક બંને માટે મોટી મુશ્કેલી બની ગયા છે. લખવાની ટેવ છૂટી જવાના કારણે વિદ્યાર્થીઓના હેન્ડ રાઈટિંગ તો બગડ્યા જ છે સાથે સાથે લખવાની ઝડપ પણ ઘટી છે. અનેકવાર એવું બન્યું છે કે તેઓ જવાબ જાણતા હોવા છતાં પૂરો જવાબ લખી શકતા નથી.
બીજી તરફ, પરીક્ષક માટે મુશ્કેલી છે કે તે વિદ્યાર્થીના હેન્ડ રાઈટિંગ વાંચી નથી શકતા. આ સંજોગોમાં ના તો તે કોઇને વિશ્વાસપૂર્વક માર્ક્સ આપી શકે છે અને ના તો કોઈના માર્ક્સ કાપી શકે છે. આથી યુનિવર્સિટીએ નક્કી કરી લીધું છે કે હવે પરીક્ષા ડેસ્કટોપ, લેપટોપ, આઈપેડથી લેવાશે જેથી વિદ્યાર્થીઓ ટાઈપ કરીને તેમના જવાબો આપી શકે.
યુનિવર્સિટી આ માટે કન્સલ્ટેશન એજન્સીઓની મદદ લઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય યુનિવર્સિટીને ડિજિટલ એજ્યુકેશન તરફ લઈ જવાનું છે. અગાઉ ૨૦૧૧માં એડિનબર્ગ યુનિવર્સિટીમાં પણ પેપરલેસ એક્ઝામની પહેલ કરાઈ હતી, પરંતુ ત્યારે તેનું કારણ ખરાબ હેન્ડરાઈટિંગ નહોતી.
લખવાનું છોડશો નહીં...
ન્યૂઝીલેન્ડમાં હેન્ડરાઈટિંગને પ્રોત્સાહન આપવામાં વ્યસ્ત લિટરસી એક્સપર્ટ રોસ લુગ કહે છે કે હેન્ડરાઈટિંગની સમસ્યા કોઈ એક દેશની નથી. વહેલામોડા સહુને તેનો સામનો કરવો જ પડે છે. ટાઈપિંગ તેનો ઉકેલ નથી. એવા અનેક રિસર્ચ છે જે જણાવે છે કે જ્યારે વ્યક્તિ લખે છે ત્યારે તેના મગજમાં નવા નવા વિચારો આવે છે. આવી રીતે સરસ નોટ તૈયાર કરવી ફક્ત હેન્ડરાઈટિંગ સાથે સંકળાયેલું નથી. તેનાથી તેમની પર્સનાલિટી પણ દેખાઈ આવે છે.

