સિસ્ટેસી નામની વનસ્પતિનું કૂળ કચ્છમાં

Wednesday 13th September 2017 10:33 EDT
 

અમદાવાદ: કચ્છમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે જ્યાં સિસ્ટેસી નામની વનસ્પતિની નહીં, પણ વનસ્પતિનું કૂળ મળી આવ્યું છે. આખા ભારતમાં આ વનસ્પતિ દેખાઈ નથી તેથી વનસ્પતિના કૂળની ઓળખ કરવામાં સમય લાગ્યો હતો. આખરે લંડનના ક્યુબોટનિકલ ગાર્ડનના વનસ્પતિવિદોએ સિસ્ટેસીની ઓળખ કરી છે.
સિસ્ટેસી નામની વનસ્પતિની વિશ્વભરમાં કુલ ૧૭૦ જાતો છે. જે મોટાભાગે ઉત્તર આફ્રિકા અને ભૂમધ્ય સાગરની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે એટલે કે સિસ્ટેસી ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, સિરીયા, ઈરાક, સાઉદી અરેબિયા અને પાકિસ્તાનમાં નોંધાયેલી છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ ડો. રોહિત પટેલે કચ્છના રણ વિસ્તારમાં પરિભ્રમણ કરીને સિસ્ટેસી વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો તે વખતે આ વનસ્પતિ દેખાઈ હતી. પ્રથમવાર એવું બન્યું છે કે વનસ્પતિનું કૂળ, જાતિ બંને એકસાથે જોવા મળી છે.
વર્ષ ૨૦૦૮માં આ પ્રજાતિની વનસ્પતિ જોવા મળી હતી, પરંતુ આ કૂળની વનસ્પતિ ભારતભરમાં ક્યાંય નોંધાયેલી દેખાઈ ન હતી જેથી તેની ઓળખ કરવામાં ઘણો સમય લાગી ગયો હતો. હાલમાં જોવા જઈએ તો ગીર ફાઉન્ડેશનમાં સંશોધક તરીકે ફરજ બજાવતા ડો. રોહિત પટેલનું કહેવું છે કે સિસ્ટેસીની ઓળખ કરવા માટે તજજ્ઞ નિષ્ણાતોની મદદ લેવી પડી હતી. લંડનના ક્યુ બોટનિકલ ગાર્ડનના વનસ્પતિવિદ્દ ડો. શહીના ગુઝાનફરે આ વનસ્પતિની ઓળખાણ કરીને પછી સાબિત થવા પામ્યું કે સિસ્ટેસી ભારતમાં પ્રથમવાર જ દેખાઈ છે. વર્ષ ૨૦૧૬માં રેડિયો નામના જર્નલમાં આ વાત પ્રસિદ્ધ પણ કરવામાં આવી છે જેના લખાણો હજી પણ મળે છે.
ભારતના મિનિસ્ટ્રી ઓફ ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ વિભાગની એક પુસ્તિકા ઉપરાંત પ્લાન્ટ ડિસ્કવરીમાં ય આ વનસ્પતિની શોધની નોંધ લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરે સિસ્ટેસીને ભયગ્રસ્ત જાહેર કરી છે. હવે ડો. રોહિત પટેલ ગુજરાતમાં લુપ્ત થતી સિસ્ટેસીના કૂળની વનસ્પતિ ક્યાં ક્યાં છે? તેની વધુ શોધખોળ કરવા ઈચ્છુક છે.


comments powered by Disqus