જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાની સત્તાધારી આફ્રિકી નેશનલ કોંગ્રેસ (એએનસી)એ ભારતીય મૂળના પ્રભાવશાળી ગુપ્તા પરિવાર અને રાષ્ટ્રપતિ જેકબ જુમા સરકાર વચ્ચેની શંકાસ્પદ લેવડદેવડની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. આ સંબંધમાં જાહેર થયેલી કેટલીક માહિતી અહીં રજૂ કરી છે.
સરકાર પર કબજો: લીક થયેલા એક લાખથી વધુ દસ્તાવેજોથી જાણ થઈ છે કે ગુપ્તા પરિવારે પ્રધાનોને ‘ખુશ કર્યા’ અને જેકબ જુમાના દીકરા ડુડુજાનેને લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદવા માટે પૈસા પણ આપ્યા. દક્ષિણ આફ્રિકી મીડિયાનો આરોપ છે કે દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે ગુપ્તા ભાઈઓએ સરકાર પર કબજો કરી લીધો છે.
સંબંધોની જાળ: ગુપ્તા પરિવારના જુમા પરિવાર સાથેના સંબંધો સામે લાંબા સમયથી આંગળી ચીંધાઇ રહી છે. માર્ચ ૨૦૧૬માં નાયબ નાણાપ્રધાન મેસિબિસી જોનસે જણાવ્યું કે પરિવારે તેને પ્રમોશન કરી આપવાની ઓફર આપી હતી. એપ્રિલમાં જુમા દ્વારા જોનસ અને નાણાંપ્રધાન પ્રવીણ ગોરધનને કેબિનેટથી કાઢી મૂકવામાં આવ્યા બાદ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા.
જુમાનું ભવિષ્ય: રાષ્ટ્રપતિ જેકબ જુમા અને ગુપ્તા પરિવારે ગેરકાયદે મિલીભગતના આરોપો ફગાવી દીધા છે પરંતુ તેનાથી એએનસીમાં વિભાજનનો ખતરો પેદા થયો છે. પાર્ટી ડિસેમ્બરમાં જેકબ જુમાના ઉત્તરાધિકારીની પસંદગી કરશે.

