આણંદઃ જિલ્લામાં માત્ર ૨૮૦૦ની વસ્તી ધરાવતાં ડેમોલ ગામમાં એનઆરઆઇના સહયોગથી થયેલા વિકાસથી મોડેલ ગામ બની રહ્યું છે. ગામના ૫૦ ટકા પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. નાનકડાં ગામમાં રૂ. ત્રણ કરોડ ખર્ચે નિર્માણ પામેલા જલારામ સંસ્કારધામમાં વિદેશથી મધ્ય ગુજરાતની મુલાકાતે આવતાં પરિવારજનો માટે એ.સી. રૂમો સાથે ૫૧ રૂમની મોટેલ બનાવવામાં આવેલી છે.
ગામમાં આરસીસી રોડ સહિત તમામ આધુનિક સુવિધાઓ છે. સ્વચ્છતા માટે એનઆરઆઇ પરિવારો તરફથી મળેલી આર્થિક સહયોગથી ભંડોળ ઉભું કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ ડોર ટુ ડોર કલેકશન માટે તેમજ ગામના સફાઇકાર્યમાં થાય છે.
પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં મહતમ વસ્તી પાટીદારોની છે. જેઓના ૨૬૦ પરિવારો ગામમાં અને ૩૨૫ પરિવારો વિદેશમાં સ્થાયી થયેલા છે. ડેમોલ કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ પટેલે જણાવ્યું હતું કે ગામમાં આવેલી ધો. ૧થી ૭ની પ્રાથમિક શાળા માટે એનઆરઆઇ પરિવારજનો દ્વારા રૂ. ૩૫ લાખના ખર્ચે નવું મકાન બનાવવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓને ગણવેશ પણ એનઆરઆઇ દાતાઓ તરફથી આપવામાં આવે છે. વર્ષ ૧૯૬૫માં આફ્રિકાથી આવેલા હરમાનભાઇ પટેલે ડેમોલ કેળવણી મંડળની સ્થાપના કરી હાઇસ્કૂલ શરૂ કરી હતી.
ચરોતરનું કાશી મથુરા
ડેમોલના સરપંચ ગોરધનભાઇ પટેલે જણાવ્યું કે ડેમોલ જેવા નાનકડા ગામમાં ૧૪ ઉપરાંત મંદિરો છે. ગામમાં બે રામજી મંદિર, આશાપુરી માતાજી મંદિર, ભાથીજી મહારાજના બે મંદિર, અંબામાતાનું મંદિર, મેલડી માતાનું મંદિર, બળીયાદેવના બે મંદિર, સ્વામિનારાયણ મંદિર, મહાદેવના બે મંદિર, બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર, મસ્જીદ, ચર્ચ આવેલા છે.

