દેવ પટેલને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો બાફ્ટા એવોર્ડ

‘લાયન’ ફિલ્મમાં અભિનય રંગ લાવ્યો

Wednesday 15th February 2017 05:18 EST
 
 

લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ અભિનેતા દેવ પટેલને ‘લાયન’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન (બાફ્ટા)નો એવોર્ડ એનાયત કરાયો હતો. રોયલ આલ્બર્ટ હોલ ખાતે રવિવાર, ૧૨ ફેબ્રુઆરીએ ૭૦મા બાફ્ટા એવોર્ડ્સ જાહેર કરાયા હતા. ‘લાયન’ ફિલ્મમાં ભારતીય યુવાનની ભૂમિકામાં તેનો અભિનય સરાહનીય ગણાયો હતો. આ ફિલ્મને બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લેનું સન્માન પણ મળ્યું છે.
ડેની બોયલની ઓસ્કારવિજેતા ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મના અભિનેતા દેવ પટેલને આ પ્રથમ વ્યક્તિગત એવોર્ડ હાંસલ કરવા માટે એરોન ટેલર જ્હોન્સન (Nocturnal Animals), જેફ બ્રિજેસ (Hell or High Water), હ્યુજ ગ્રાન્ટ (Florence Foster Jenkins) અને મહેરશાલા અલી (Moonlight) જેવા સમર્થ અભિનેતાઓનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં જ ૭૪મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એરોન ટેલર જ્હોન્સનને મળતા દેવ માટે નિરાશા સર્જાઈ હતી. જોકે, બાફ્ટા એવોર્ડ હાંસલ કર્યા પછી તેને ઓસ્કાર એકેડેમી એવોર્ડ મળવાની શક્યતા ઘણી વધી છે.
બો-ટાઈ અને સૂટ-બૂટમાં સજ્જ દેવ પટેલે જણાવ્યું હતું કે, ‘એવોર્ડ્સ અદ્ભૂત હોતા નથી તેમ કહું તો હું ખોટું બોલ્યો ગણાશે. એવોર્ડ વાસ્તવમાં કોઈની પણ કારકીર્દિ બદલી નાખે છે. તમારી કદર થાય છે. તમને અગાઉ મળતી ન હોય તેવી સ્ક્રીપ્ટ્સ મળવા લાગે છે. પરંતુ, હું કદી ગોલ્ડન પ્રતિમા વિશે વિચાર કરીને કોઈ પ્રોજેક્ટ હાથ પર લેતો નથી.’ દેવ પટેલે ‘સ્લમડોગ મિલિયોનેર’ (૨૦૦૮), લાસ્ટ એરબેન્ડર (૨૦૧૦), મેરીગોલ્ડ હોટેલ (૨૦૧૨), ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જીવનકથા ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ (૨૦૧૫), ચેપ્પી (૨૦૧૫) ફિલ્મો તેમજ અનેક ટેલિવિઝન સીરિઝોમાં અભિનય આપ્યો છે.
ગાર્થ ડેવિસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘લાયન’ સરુ બ્રીઅર્લીના બેસ્ટ સેલિંગ આત્મકથાનક ‘A Long Way Home’ પર આધારિત છે. આ એક ભારતીય બાળકની સત્યકથા છે, જે ટ્રેનમાં ઉંઘી જાય છે અને જાગીને જુએ છે તો ઘરથી હજારો માઈલ દૂર વિચિત્ર ભૂમિમાં આવી ગયો છે, જ્યાંની ભાષા પણ તેની સમજમાં આવતી નથી. ઓસ્ટ્રેલિયાના એક દંપતી દ્વારા તેને દત્તક લેવાય છે તે પહેલા તો તેણે અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વર્ષો પછી, યુવાન થયેલો બાળક પોતાના ખોવાયેલા પરિવારને શોધવા નીકળે પડે છે. બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીના એવોર્ડ માટે ‘લાયન’ ફિલ્મને ‘એરાઈવલ’, ‘હેક્સો રિજ’, ‘હિડન ફિગર્સ’ અને ‘નોક્ટર્નલ એનિમલ્સ’ ફિલ્મો સાથે સ્પર્ધા કરવી પડી હતી.
દેવ પટેલના મૂળ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના નાનકડા બાલવા ગામ સાથે જોડાયેલા છે. લંડનના હેરોમાં રહેતાં પરંતુ મૂળ કેન્યાના નાઈરોબીના અને પાછળથી ઈંગ્લેન્ડ આવેલાં રાજભાઈ અને અનિતાબહેન પટેલને ત્યાં ૨૩ એપ્રિલ, ૧૯૯૦ના દિવસે દેવ પટેલનો જન્મ થયો હતો. આ કડવા પટેલ પરિવારના સંતાન દેવ પટેલને શાળામાં અભ્યાસની સાથોસાથ ઈતર પ્રવૃત્તિમાં ભારે રસ હતો. તેણે માર્શલ આર્ટ્સમાં બ્લેક બેલ્ટ તેમજ ટાઈક્વોન્ડોની વિશ્વ ચેમ્પિયનશિપમાં કાંસ્યચંદ્રક હાંસલ કર્યો છે. દેવ પટેલે પોતાના GCSCમાં નાટ્યશાસ્ત્ર વિષય પણ પસંદ કર્યો હતો. માતા અનિતાબહેનના પ્રોત્સાહનના પરિણામે દેવ અભિનયકળામાં આગેકૂચ કરતો ગયો હતો. તેની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ને આઠ ઓસ્કાર એવોર્ડ મળવાની ખુશી બાલવા ગામે પણ ઉજવી હતી. રાજભાઈ અને અનિતાબહેને લંડનમાં રહેતાં હોવાં છતાં બાલવા ગામ સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. તેમના પરિવારે બાપદાદાનું જુનું મકાન બ્રહ્મસમાજને રાધા-કૃષ્ણનું મંદિર બનાવવા માટે દાનમાં આપી દીધું હતું.


comments powered by Disqus