દ્વારકાના રુક્ષ્મણી મંદિરના સેવાપૂજાનો ઈજારો રૂ. ૫.૭૫ કરોડમાં અપાયો!

Wednesday 15th February 2017 06:44 EST
 
 

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં આવેલા પ્રાચીન રુક્ષ્મણી મંદિરે સેવાપૂજાનો ઇજારો દર ત્રણ વર્ષે ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અપાય છે. ત્રણ વર્ષ પૂર્ણ થતાં ગુગળી જ્ઞાતિ દ્વારા ઇજારો આપવા ૧૨ ફેબ્રુઆરીએ બપોરથી બેઠક યોજાઇ હતી. જેમાં બોલી બોલવામાં ભારે ખેંચતાણ થઇ હતી. ૧૫ કલાક ચાલેલી બેઠક ૧૩ ફેબ્રુઆરીએ સવારે પાંચ વાગ્યે પૂર્ણ થઇ હતી. આખરે સેવાપૂજાના ઇજારા માટે રૂ. ૫.૭૫ કરોડની છેલ્લી બોલી મંજૂર રાખીને બોલી બોલનાર વર્તમાન પુજારીને પુનઃ ઇજારો ફાળવાયો હતો.
દ્વારકાના રુક્ષ્મણી મંદિરના ઇજારા માટેની પ્રક્રિયા ગુગળી જ્ઞાતિ કાર્યાલયમાં શરૂ થઇ હતી. આ ઇજારા પ્રથામાં ભાગ લેનાર ગુગળી જ્ઞાતિ પરિવારજનો વચ્ચે ઇજારો મેળવવા માટે ભારે ખેંચતાણ રહી હતી અને આ બેઠક સતત ૧૫ કલાક ચાલી હતી. છેલ્લી બોલી બોલનાર વર્તમાન પુજારી અરુણભાઇ દવેએ રૂપિયા પાંચ કરોડ પંચોતેર લાખ અને બત્રીસ હજારની જંગી રકમની બોલી બોલીને આગામી ત્રણ વર્ષ માટે રુક્ષ્મણી મંદિરના ઇજારાનો પુનઃ કબ્જો મેળવ્યો હતો.


comments powered by Disqus