ભરૂચઃ શહેરની જીએનએફસી સંકુલની ટાઉનશીપ દેશની સૌપ્રથમ ‘કેશલેસ’ ટાઉનશીપ બની છે. એટલું જ નહીં, ભારત સરકારના નિતિ આયોગે પણ તેને કેશલેસ ‘રોલ મોડેલ ટાઉનશીપ’ જાહેર કરતાં ગુજરાત અને દેશમાં આ ટાઉનશીપનું ગૌરવ વધ્યું છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે સોમવારે આ સંકુલનું ‘૧૦૦ ટકા કેશલેસ ટાઉનશીપ’ તરીકે લોંચીંગ થયું હતું. આ પ્રસંગે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના શ્રમ રોજગાર પ્રધાન બાંડારુ દત્તાત્રેયની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યક્રમ જીએનએફસી ટાઉનશીપમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ટાઉનશીપમાં વસતાં ૧૦ હજાર નાગરિકોને શોપીંગ સેન્ટરો, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજ સંકુલ, હોસ્પિટલ, સ્ટેડીયમ, ગેસ્ટહાઉસ, ધોબી શોપ, ફ્લોરમીલ ખાતે કેશલેસ સેવાઓ મળી છે. આ ઉપરાંત જીએનએફસીમાં અવર-જવર કરતાં માલવાહક ટ્રકો, ટેંકરોને પણ આ સુવિધા મળશે. આ કેશલેસ સેવા માટે પીઓએસ મશીન, ઇ-વોલેટસ, યુપીઆઇ, એસબીઆઇ બડી માધ્યમ બન્યા છે.
