આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે સ્ત્રી માતૃત્વ ધારણ કરે છે ત્યારે તેની સુંદરતા અનેક ઘણી વધી જાય છે. માતૃત્વ સ્ત્રીના સ્વાભિમાનને જાણે કે છલકાવી દે છે, તેના મસ્તકને ઉન્નત બનાવે છે, કદી અનુભવી ન શકાય તેવો અહેસાસ કરાવે છે.
કીમ કર્દાશીયન પછી તાજેતરમાં જ લોસ એન્જલસના સ્ટેપલ્સ સેન્ટર ખાતે યોજાયેલા ગ્રેમી એવોર્ડ્ઝના સમારોહમાં વિખ્યાત પોપ સુપરસ્ટાર બિયોન્સેએ જાણે કે પોતાના રૂપના કામણ પાથર્યા હતા. જોડીયા બાળકોનો ગર્ભ ધરાવતી બિયોન્સેએ માત્ર સુવર્ણ અલંકારોની બીકીની પહેરીને નૃત્ય સાથે ગીત ગાયું હતું. પતિ જે ઝી અને દિકરી બ્લુની ઉપસ્થિતીમાં બિયોન્સેએ આપેલ આ પ્રસ્તુતીની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઇ રહી છે. કેટલાક સોગીયા વિવેચકો સીવાય સૌ કોઇ બિયોન્સેના ભેરપેટ વખાણ કરી રહ્યા છે.
ઘણી સ્ત્રીઅો અને કેટલાક લોકો માનતા હોય છે કે સ્ત્રી સગર્ભા બને ત્યારે થોડીક બેડોળ દેખાય છે અને આજ કારણે ઘણી ભારતીય અભિનેત્રીઅો અને મહિલાઅો છેલ્લા મહિના જતા હોય ત્યારે જાહેરમાં દેખાવાનું ટાળતી હોય છે. ગર્ભાવસ્થા અને અમુક અંશે જાહેર સ્થળોએ બાળકને સ્તનપાન કરાવતી મહિલાઅો સામે પાશ્ચિમી દેશોમાં પાબંદી ફરમાવવામાં આવે તે કેટલી હદે યોગ્ય છે! કુદરતે આપેલી માતૃત્વની અમુલ્ય બક્ષીસની આવી અવહેલના કેમ થતી હશે!

