જામનગરઃશહેરની ખ્યાતનામ જી. જી. સરકારી હોસ્પિટલમાં ડોક્ટર બનીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા ‘મુન્નાભાઇ’નો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ થયો છે. રેસિડેન્ટ ડોક્ટરોએ પોતાની ફરજ બજાવવી પડે નહીં તે માટે ૧૨ પાસ વ્યક્તિને પોતાના ખર્ચે નોકરી પર રાખ્યો હતો.
જી.જી. હોસ્પિટલમાં મહેશ પરમાર નામની વ્યક્તિ તબીબી ડિગ્રી નહીં હોવા છતાં ઓર્થોપેડિક વિભાગમાં ડોક્ટર બનીને દર્દીને તપાસતો હોવાની જાણ થતાં ૧૦ ફેબ્રુઆરીએ બપોરે ૧.૩૦ વાગ્યે એક અખબારના પત્રકારોની ટીમ હોસ્પિટલે પહોંચી ગઇ હતી. ટ્રોમા સેન્ટરમાં મહેશ પરમાર અને અન્ય રેસિડેન્ટ ડોક્ટરો દર્દીને તપાસી રહ્યા હતા.
અંદાજે ૪૦થી વધુ દર્દીઓ કતારમાં ઊભા હતા. એક પછી એક એક દર્દી મહેશ પરમાર પાસે પહોંચતા અને મહેશ દર્દીની ફાઇલ લઇને તેમની તકલીફ અંગે પૂછપરછ કરતો હતો અને કેટલાક દર્દીને દવા તેમજ એક્સ-રેનું લખી આપતો હતો.
પત્રકારોએ મહેશ પરમારની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. મહેશે પોતે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યાની અને ત્રણ મહિનાથી ઓર્થોપેડિક વિભાગમાં કામ કરતો હોવાની કબૂલાત આપી હતી.
ડોક્ટર્સ રૂમમાં સૂઈ જતો હતો મહેશ
એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડો. કૃપેન અને
ડો. વિરાજે મહેશને ત્રણ મહિનાથી નોકરી પર રાખ્યો હતો અને બન્ને ડોક્ટરો પોતાનું કામ કરાવવા બદલ મહેશને દર મહિને રૂ.૩૫૦૦-૩૫૦૦ ચૂકવતા હતા. રેસિડેન્ટ ડોક્ટરના રૂમમાં જ મહેશ પરમાર રાત્રે સુઇ રહેતો હતો.
અત્યંત ઘૃણાસ્પદ: ડીન
એમ.પી. શાહ મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો. એસ. એસ. ચેટર્જીએ કહ્યું કે, આ કિસ્સો ઘૃણાસ્પદ છે. મામલામાં જવાબદાર વ્યક્તિને છોડવામાં નહીં આવે. પ્રકરણમાં ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવશે અને રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.
