સિદ્ધપુરઃ સિદ્ધપુરમાં જન્મેલી અને હાલ અમદાવાદ ખાતે રહેતી ૧૭ વર્ષની પરાત્મિકા પાધ્યાએ તાજેતરમાં ન્યૂ યોર્કમાં યુનાઈટેડ નેશનના હેડ ક્વાટર્સ ખાતે યોજાયેલ વાઈમન ર૦૧૭ના ચેરપર્સન તરીકે ત્યાંના ૮૦૦થી વધુ ડેલિગેટને સંબોધ્યા હતા. દેશોમાં નાના શસ્ત્રોના ગેરકાયદે વ્યાપાર અને તેનાથી દેશ તેમજ નાગરિકોને થતા નુકસાનના વિષય પર પરાત્મિકાએે સંબોધન કર્યું હતું. અત્યારે અમદાવાદમાં ઈન્ટરનેશનલ બેરેક્લોરેટ ડિપ્લોમા પ્રોગ્રામ (આઈબીડીપી)ના બીજા વર્ષમાં ભણતી પરાત્મિકાના જણાવ્યા મુજબ મોક યુનાઈટેડ નેશનને સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓના વિવિધ વિષયો પરના રિસર્ચ અને નોલેજની જરૂર પડે છે. ત્રણેક વર્ષ પહેલાં પરાત્મિકા ૧૪ વર્ષની વયે મોક યુનાઈટેડ નેશનમાં જોડાઈ હતી. પ્રથમ તે ડેલિગેટ બની. પછી વાઈસ ચેરપર્સન અને હવે ચેરપર્સન તરીકે યોગદાન આપે છે. હાલ પિતા સાથે અમેરિકા રહેલી પરાત્મિકાએ જણાવ્યું હતું કે મોટા ભાગના દેશોમાં નાના-નાના શસ્ત્રોનો મોટા પાયે ગેરકાયદે વેપાર થઈ રહ્યો છે અને તેનું માઠું પરિણામ જે તે દેશ જ નહીં, સમગ્ર વિશ્વ ભોગવે છે.
પરાત્મિકા કહે છે કે તેને આ વિષય પર ન્યૂ યોર્ક સ્થિત યુનાઈટેડ નેશનના હેડ કવાટર્સમાં વિવિધ દેશોમાંથી આવેલ ૮૦૦ ડેલિગેટ્સને સંબોધવાનો મોકો મળ્યો હતો.

