સુબ્રમણ્યમ સ્વામીની વધુ એક વિકેટ: શશિકલાને પણ જેલમાં પહોંચાડ્યા

Wednesday 15th February 2017 05:30 EST
 
 

ચેન્નઇઃ મંગળવારનો દિવસ એઆઇએડીએમકેના મહાસચિવ શશિકલા માટે 'અમંગળ' સાબિત થયો હતો. જોકે, આ માટે સુબ્રમણ્યમ સ્વામી વિલન સાબિત થયા છે. ૨૧ વર્ષ અગાઉ સ્વામીએ દાખલ કરેલી આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદના કેસમાં જ શશિકલાને સજા થઈ છે. સ્વામી અગાઉ પણ અનેક રાજનેતાઓને જેલના સળિયા ગણાવી ચૂક્યા છે.
મંગળવારના ચુકાદા બાદ ન તો પન્નીરસેલ્વમ્ વિજેતા હતા કે ન તો ડીએમકેના એમ. કે. સ્ટાલિન. ખરા અર્થમાં જો કોઈ વિજેતા હોય તો તે છે સુબ્રમણ્યમ્ સ્વામી. કાયદાની ઊંડી જાણકારી રાખનાર સુબ્રમણ્યમ્ સ્વામી કાયદા દ્વારા તેમના વિરોધીનું જીવવું હરામ કરી નાખે છે. ૧૯૯૬થી આવક કરતાં વધુ સંપત્તિના કેસે જયલલિતાનો પીછો છોડ્યો ન હતો.
સ્વામીએ ટુ-જી સ્પેક્ટ્રમ કેસમાં ડીએમકે નેતાઓ એ. રાજા, કનિમોઝી ઉપરાંત ઉદ્યોગપતિ શાહીદ બલવા, વિનોદ ગોએન્કા સહિત અનેકને જેલના સળિયા ગણાવ્યા હતા. એરસેલ-મેક્સિસ ડીલમાં સ્વામીએ તામિલનાડુમાં તેમના પરંપરાગત વિરોધી પી. ચિદમ્બરમ્ તથા તેમના પુત્ર કાર્તિને ઘેર્યાં છે. જ્યારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તથા ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જેલમાં મોકલવાનો નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે. સ્વામી હાલ રાજ્યસભામાં સાંસદ છે. તેઓ અગાઉ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવી ચૂક્યા છે. જ્યારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા.
સ્વામીએ વ્યક્ત કરી ખુશી
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્વામીએ ટ્વિટર પર લખ્યું, ‘વીસ વર્ષ પછી હું જીત્યો. હવે ટીડીકે, બુદ્ધુ, પીસી, બીસી અને ટાટાનો વારો છે, તેની સાથે જેલમાં જવાનો.’
વેબસાઈટ ફર્સ્ટપોસ્ટના કહેવા પ્રમાણે, ટીડીકે એટલે સોનિયા ગાંધી, બુદ્ધુ એટલે રાહુલ ગાંધી, પીસી એટલે પી ચિદમ્બરમ, બીસી એટલે કાર્તિ ચિદમ્બરમ તથા ટાટા એટલે
રતન ટાટા.


comments powered by Disqus