હરિયાણાનો યુવાન માત્ર ૫૭.૫૬ મિનિટમાં ગિરનાર પર્વત ચઢ્યો અને ઉતર્યો

Wednesday 15th February 2017 05:52 EST
 
 

જૂનાગઢઃ જૂનાગઢમાં રવિવારે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સિનીયર બોયઝ વિભાગમાં હરિયાણાના યુવાને માત્ર ૫૭.૫૬ મિનીટમાં ૫ હજાર પગથિયા ચડી-ઉતરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જુનિયર બોયઝમાં પણ હરિયાણાના સ્પર્ધકે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, પણ સિનિયર અને જુનિયર ગર્લ્સ વિભાગમાં ગુજરાતની બહેનોએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
જુનાગઢ ગિરનાર પર્વત પર રવિવારે ૧૦મી રાષ્ટ્રીય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં નવ રાજ્યના ૪૧૨ સ્પર્ધકો નોંધાયા હતા, જોકે સ્પર્ધામાં ૨૮૬ સ્પર્ધકો જ ઉતર્યા હતા. જેમાં ૧૬૫ સિનિયર બોયઝ, ૬૧ જુનિયર બોયઝ, ૩૩ સિનિયર ગર્લ્સ અને ૨૭ જુનિયર ગર્લ્સ હતી.
સવારે ૭ વાગ્યે ભવનાથ તળેટી ખાતે ફુલગુલાબી ઠંડી વચ્ચે પ્રથમ સિનીયર - જુનિયર ભાઇઓની ટુકડીને મેયર દ્વારા ફલેગ ઓફ આપીને રવાના કરાઇ હતી. બાદમાં સિનીયર-જુનિયર બહેનોની ટુકડીને રવાના કરાઇ હતી. ભાઇઓ માટે અંબાજી ટુંક સુધીના પાંચ હજાર પગથિયા તથા બહેનોએ માળી પરબ સુધીના ૨૨૦૦ પગથિયા ચડવા-ઉતરવાના હતા.
સિનિયર બોયઝ વિભાગમાં હરિયાણાના બિરેન્દ્રકુમાર ફુલુકમારે ૫૭.૫૬ મિનીટમાં પાંચ હજાર પગથિયા ચડી ઉતરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જુનિયર બોયઝ વિભાગમાં પણ હરિયાણાના નવિનકુમારે ૬૦.૩૦ મિનીટમાં પાંચ હજાર પગથિયા ચડી-ઉતરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સિનીયર ગર્લ્સ વિભાગમાં ગુજરાતની કાજલ સોલંકીએ ૩૯.૨૨ મિનીટમાં ૨૨૦૦ પગથિયા ચડી-ઉતરીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે જુનિયર ગર્લ્સ વિભાગમાં વાલીબેન અરજણભાઇએ ૩૯.૩૦ મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.


comments powered by Disqus