અમદાવાદઃ હાસ્યલેખક અને ‘તારક મહેતાના ઊલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલના લેખક પદ્મશ્રી તારક મહેતાને રમણલાલ નીલકંઠ હાસ્ય એવોર્ડ એનાયત કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ગત વર્ષે આ એવોર્ડ વિનોદ ભટ્ટને અપાયો હતો. જાણીતા સામયિક ‘ચિત્રલેખા’ની લોકપ્રિય કટાર ‘દુનિયાને ઊંધા ચશ્મા’ના સર્જક અને તેના પાત્રોથી જાણીતા તારક મહેતાને અગાઉ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ એવોર્ડ અપાયો હતો તો ૨૦૧૫ની ૨૬મી જાન્યુઆરીએ ભારત સરકારે પદ્મશ્રી સન્માનથી નવાજ્યા હતા.
અમદાવાદના ખાડિયાના વતની એવા તારક મહેતાના ૮૫થી વધારે પુસ્તકો પ્રકાશિત થયા છે જેમાં હાસ્ય લેખો, નાટક અને આત્મકથા ‘એકશન રિપ્લે’નો સામેલ છે. બે દાયકાથી વતન અમદાવાદને ફરી કર્મભૂમિ બનાવનાર ૮૮ વર્ષીય તારક મહેતાને હિંચકો, પાન અને પત્ની ઇન્દુબેન વ્હાલા છે. એવોર્ડ અંગે ઇન્દુબેને જણાવ્યું કે, અવસ્થાને કારણે તેઓ મોઢાથી લાગણી વ્યક્ત કરી શકતા નથી પરંતુ એમની આંખોમાં આનંદનો ચમકારો મેં અનુભવ્યો છે.

