લખનઉઃ ભાજપના હાથે કારમી હાર વહોર્યા પછી વિદાય લઈ રહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે પાર્ટીના પરાજ્ય અંગે કટાક્ષ કરતાં કહ્યું હતું જનતાને અમે બનાવેલા ચકાચક હાઈવે નહીં, પણ બુલેટ ટ્રેન જોઈએ છે. તેમને અમારા એક્સપ્રેસ વે પસંદ આવ્યા નથી. આશા રાખીએ કે યુપીમાં બુલેટ ટ્રેન આવે. અમે ખેડૂતોનું ૧૬ હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. હવે આશા છે કે રાજ્યના ખેડૂતોનું દેવું માફ થઇ જશે.
અખિલેશ યાદવે કહ્યું હતું કે હું પહેલાં પણ કહેતો હતો અને હજી કહું છું કે અમારી સાયકલ ટ્યુબલેસ છે. તેમાં અમે કદી હવા ભરતા નહોતા કે ભરી નહોતી. યુપીમાં અમારી ભલે હાર થઈ હોય પણ સાઈકલ અવિરત ચાલતી જ રહેશે. અખિલેશે સપા-કોંગ્રેસના ગઠબંધનની હારનું ઠીકરું કોંગ્રેસ પર ફોડવાનું ટાળ્યું હતું અને જનાદેશને માથે ચડાવ્યો હતો.
આંખમાં આંસુ
પિતા અને કાકા સાથેની બગાવત પછી અખિલેશને આશા હતી કે ચૂંટણીમાં સરકારનું કામ બોલશે, પોતાની સત્તા જ ચાલતી રહેશે. પરંતુ તમામ મહેનત અને ગઠબંધન છતાં પણ મોટી હારથી અખિલેશ તૂટી ગયા છે.
રિઝલ્ટ આવવાની સવારથી જ મીડિયાના આગ્રહ છતાં પણ અખિલેશે મળવાનો નનૈયો ભણ્યો હતો.
કાલિદાસ માર્ગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પોતાની પાર્ટીને ૧૦૦ સીટની અંદર જ હારતાં જોઇને અખિલેશની આંખોમાં આંસુ છલકાઇ આવ્યાં હતાં.
જોકે આ દર્દ ત્યારે વધી ગયું કે જ્યારે કાકા શિવપાલ સિંહે હારના ઘા પર મીઠું ભભરાવ્યું. શિવપાલ સિંહે જણાવ્યું કે, આ સમાજવાદી પાર્ટીની હાર નથી, પરંતુ પાર્ટીના અભિમાની ચહેરાની હાર છે. હારને સ્વીકારતાં અખિલેશે સરકારી બંગલાને ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું.
અખિલેશે વ્યથા વ્યક્ત કરતા કહ્યું હતું કે જે લોકો સભાઓમાં આવ્યા તે અમને મત નહીં આપે તેવી કલ્પના નહોતી, તેઓ શું ફક્ત અમને જોવા જ આવ્યાં હતાં?
પુત્રના બચાવમાં પિતા
સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશમાં પક્ષની હાર મુદ્દે પુત્ર અખિલેશ યાદવનો બચાવ કરતાં કહ્યું કે હાર માટે કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી, બધા જવાબદાર છે. અમે મતદાતાઓને અમારા સમર્થનમાં લાવવા નિષ્ફળ રહ્યા. લોકોનો ઝોક ભાજપ તરફ હતો. તેણે ઘણા વચનો આપ્યા છે. જોઈશું, કેટલા પૂરા કરે છે.નોંધનીય છે કે પરિવારમાં વિવાદ વચ્ચે સત્તાની ખેંચતાણમાં અખિલેશે પિતા મુલાયમ સિંહને પક્ષપ્રમુખ પદેથી હટાવી દીધા હતા.
જોકે હવે કારમી હારના પગલે સપામાં અખિલેશના સ્થાને મુલાયમને ફરી પક્ષપ્રમુખ બનાવવાની માગ ઊઠવા લાગી છે. કેટલાક નેતાઓનું કહેવું છે કે અખિલેશે ચૂંટણી સુધી પક્ષનું સુકાન માગ્યું હતું. તેઓ નિષ્ફળ રહ્યા છે. હવે તેમણે પક્ષનું સુકાન ફરી મુલાયમ સિંહને સોંપી દેવું જોઈએ.

